<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જામનગરમાં જાહેરમાં વર્લીમટકા રમતા શખ્સની ધરપકડ : રોકડ અને સાહિત્ય જપ્ત

એલસીબીએ બ્લુ કલબ પાસે દરોડો પાડી પંકજ ધનવાણીને ઝડપી પાડ્યો : કપાત લેનાર ગફારની શોધખોળ ચાલુ

જામનગર: જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) એ શહેરના બ્લુ કલબ સામે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક આરોપીને રોકડ રકમ, મોબાઈલ ફોન અને વર્લીમટકાના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી એલસીબીની ટીમ પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના કેસો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી.
એલસીબી સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે બ્લુ કલબની સામે દરોડો પાડ્યો હતો. અહીં આરોપી પંકજભાઈ મુરલીભાઈ ધનવાણી (રહે. પટેલપાર્ક, મહાદેવના મંદિર પાસે, જડેશ્વર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૪૦૨, જામનગર) વર્લીમટકાના આંકડા લખતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ. ૬,૬૭૦, એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) અને વર્લીમટકાનું સાહિત્ય મળી કુલ રૂ. ૧૧,૬૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ રૂષીરાજસિંહ વાળાની ફરિયાદના આધારે આરોપી પંકજ ધનવાણી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતરે આ કેસની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વર્લીમટકાના આંકડાની કપાત લેનાર ગફારભાઈ (રહે. ધરાનગર, જામનગર) નું નામ ખુલ્યું છે અને પોલીસ હાલમાં તેની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.
આ સફળ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલીયા તેમજ એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા અને ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

 

(5:28 PM IST)