News of Saturday, 17th May 2025
સુરેન્દ્રનગરમાં બબ્બર ડોનની રીલ બનાવનાર યુવાન સામે કાર્યવાહી

વઢવાણઃ શહેરમાં યુવાનોને રીલ બનાવવાનું ઘેલુ લાગ્યુ છે. ત્યારે રીલ બનાવવાના ચક્કરમાં યુવાનો ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. હજુ બે દિવસ પહેલા જ રાત્રે માતેલા સાંઢ માફક દોડતી થાર કાર દિવાલમાં ઘુસી ગઈ હતી. ત્યારે સુરેન્દ્રનગરના બબ્બર ડોન તરીકેની રીલ બનાવી છુટા હાથે અને સ્કુટરમાં ઉભા રહી ચલાવનાર યુવાનને પોલીસે દબોચી લીધો છે. ઈન્સ્ટાગ્રામમાં એક રીલ ફરતી થઈ હતી. જેમાં એક યુવાન ટાવર ચોકથી રતનપર ઢાળ સુધી જતા ભોગાવા નદીના પુલ પર સ્કુટરમાં ઉભા રહી છુટા હાથે સ્કુટર ચલાવતો હોવાનો વીડિયો બનાવાયો હતો. જેમાં તેણે ઉડાય તો જ હા.. અને બબ્બર ડોન સુરેન્દ્રનગર એવુ લખ્યુ હતુ. એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાની સુચનાથી સ્ટાફના ધનરાજસીંહ વાઘેલા, મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ સહિતની ટીમે તપાસ કરતા તે રતનપર સુધારા પ્લોટમાં રહેતો ૨૮ વર્ષીય અસલમ ઉર્ફે અસ્લો સાઉદ્દીનભાઈ જામ હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે તેને ઝડપી લઈને તપાસ કરતા ગત તા. ૧૫મી મેએ બપોરના સમયે તેના મિત્ર નવાબ યુનુસભાઈ મકવાણાએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી અસલમને કાયદાનું ભાન કરાવાયુ હતુ અને તેની સામે BNSની કલમ ૨૮૧ મુજબ ગુનો એ ડીવીઝન પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો.(૨૩.૧૧)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
