News of Saturday, 17th May 2025
દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં બે આખલાઓ ધીંગાણે ચડ્યા: આખલો હોટલનો દરવાજો તોડી અંદર ઘૂસી ગયો
પોલીસની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી આખલાઓને બહાર કાઢવાની ક્વાયત હાથ ધરી:કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હોટલને મોટું નુકસાન

દ્વારકામાં રખડતા પશુઓના ત્રાસના બનાવો છાશવારે સામે આવતા રહે છે. ઘણી વખત ભક્તોની ભીડમાં આખલા ઘૂસી જતાં દોડધામ મચે છે, તો કોઈ વખત રસ્તા પર બાખડતા આખલાઓ રાહદારીઓ અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ઠોકરે ચડાવતા હોવાના બનાવો અગાઉ સામે આવી ચૂક્યા છે. આવો જ આખલાના આતંકનો બનાવ શુક્રવારની રાતે બન્યો હતો. જેમાં જાહેર રસ્તામાં યુદ્ધે ચડેલા બે આખલાઓ પૈકી એક આખલો નજીકની હોટલનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં બે આખલાઓ અચાનક બાખડવા લાગ્યા હતા. બન્ને વચ્ચેની લડાઈ એટલી ઉગ્ર થઈ ગઈ કે, તેઓ નજીકમાં આવેલી રાજાધિરાજ હોટલ તરફ ધસી ગયા હતા. આ દરમિયાન એક વિફરેલો આખલો હોટલના મુખ્ય દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. આ સમયે હોટલમાં રોકાયેલા ભક્તો તેમજ સ્ટાફના જીવ અદ્ધર થઈ ગયા હતા.
બીજી તરફ હોટલ સ્ટાફે જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક હોટલ પર આવી પહોચી હતી અને આખલાઓને બહાર કાઢવાની ક્વાયત હાથ ધરી હતી. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હોટલને મોટું નુકસાન થયું છે. સ્થાનિકો પણ આ વિસ્તારમાં આખલાઓના વધી રહેલા ત્રાસથી ચિંતિત છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
