News of Saturday, 17th May 2025
ધ્રાંગધ્રાના કોંઢ ગામે જાહેરમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ : APMC ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા બોલાચાલી બાદ ચાર રાઉન્ડ ફાયરિંગ : વિસ્તારમાં તંગદિલી
સામાન્ય બોલાચાલીએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ : ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકાયો : ફાયરિંગનું ચોક્કસ કારણ અકબંધ

ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે એક જાહેર સ્થળે ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, ધ્રાંગધ્રા APMCના ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના એક સામાન્ય બોલાચાલી બાદ બની હોવાનું જાણવા મળી રહ્યું છે, જેણે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના કોંઢ ગામે એક જાહેર કાર્યક્રમ દરમિયાન બની હતી, જ્યાં કનકસિંહ ઝાલા અને અન્ય વ્યક્તિઓ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે કનકસિંહ ઝાલાએ પોતાની પાસે રહેલી હથિયારથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ફાયરિંગની ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયરિંગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ આ દિશામાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
આ ઘટનાને પગલે કોંઢ ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર હાજર રહેલા લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને કનકસિંહ ઝાલાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વધુ વિગતો સામે આવશે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
