<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

પોરબંદરમાં વન વિભાગનું વિચિત્ર વર્તન : વૃક્ષો વાવવાને બદલે કાપવાની કાર્યવાહી : કોર્ટમાં દાવો દાખલ

બરડા ડુંગરના આંબા કાપવાનો વિવાદ : વન વિભાગ સામે ગંભીર આક્ષેપો : એડવોકેટ ભરતભાઈ લાખાણીએ નોંધાવ્યો દાવો : 27 મેના રોજ સુનાવણી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર : પોરબંદરમાં વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિવાદમાં આવી છે. વન વિભાગ પર વૃક્ષો વાવવાને બદલે કાપવાની કાર્યવાહી કરવાનો આક્ષેપ લાગ્યો છે, જેના પગલે પોરબંદરની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસ પોરબંદરના માનવતાવાદી એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેમણે બરડા ડુંગરના સાજણવારા નેશમાં વસવાટ કરતા કાના પોલા રાડાની મદદ કરવાના હેતુથી આ દાવો કર્યો છે. કાના પોલા રાડાએ બરડા ડુંગરમાં 150થી વધુ આંબા, 100થી વધુ નાળિયેરી અને 50થી વધુ અન્ય વૃક્ષો વાવ્યા અને ઉછેર્યા છે. તેઓ પાંચ પેઢીથી આ જ જગ્યામાં વસવાટ કરે છે.
કાના પોલા રાડાએ જણાવ્યું કે વન વિભાગ દ્વારા પેશકદમી હટાવવાના બહાના નીચે તેમને નોટિસ આપવામાં આવી રહી છે અને વૃક્ષો કાપવાની ધમકી આપવામાં આવી રહી છે. જેના કારણે પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વન વિભાગ વૃક્ષો ન કાપે તે માટે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ શાહ મેડમે વન વિભાગના અધિકારીઓને 27 મે, 2025ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ કાઢી છે.
એડવોકેટ ભરતભાઈ લાખાણીએ વન વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને કાના પોલાની જમીન અને વૃક્ષો બચાવવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. તેમણે જણાવ્યું કે વન વિભાગનું કામ વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું છે, પરંતુ અહીં વન વિભાગ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ કરી રહ્યું છે. આથી લોકજાગૃતિ લાવવાની અને રાજકીય આગેવાનોએ પણ આ બાબતે હસ્તક્ષેપ કરીને વન વિભાગ વૃક્ષો ન કાપે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.

 

(5:24 PM IST)