<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

માતાજીના માંડવામાં જઇ રહેલા રાજકોટના પ્રજાપતિ પરિવારની કારનો થાન પાસે ટ્રેકટરની ઠોકરે બૂકડોઃ વૃધ્‍ધ દંપતિનું મોત

કટલેરીના ધંધાર્થી ૬૫ વર્ષના પ્રેમજીભાઇ ઘાટલીયા અને પત્‍નિ ૬૦વર્ષના લાભુબેન ઘાટલીયાના મોતઃ પુત્ર મહેશભાઇ, પુત્રવધૂ અસ્‍મીતાબેન, પોૈત્ર કુલદીપનો બચાવઃ પોૈત્રી ખુશાલીને ઇજા : સવારે દંપતિની અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ : તસ્‍વીરમાં બૂકડો બોલી ગયેલી કાર, તેને ઠોકરે લેનારુ ટ્રેકટર અને કાળનો કોળીયો બની ગયેલા વૃધ્‍ધ પ્રેમજીભાઇ ઘાટલીયા તથા તેમના પત્‍નિ લાભુબેન ઘાટલીયા અને ઇજાગ્રસ્‍ત પોૈત્રી ખુશાલી મહેશભાઇ ઘાટલીયા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: થાનગઢ પાસે રવિવારે ટ્રેકટરના ચાલકે ફ્રન્‍ટી કારને ઠોકરે ચડાવતાં કારનો બૂકડો બોલી જતાં તેમાં બેઠેલા રાજકોટ શિવાજીનગરમાં રહેતાં કટલેરીના ધંધાર્થી વૃધ્‍ધ અને તેમના પત્‍નિના કરૂણ મોત નિપજ્‍યા હતાં. જ્‍યારે તેમના દિકરા, પુત્રવધૂનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. તો પોૈત્રીને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ગુર્જર પ્રજાપતિ પરિવારના આ સભ્‍યો સુરેન્‍દ્રનગરના કોંઢ ગામે માતાજીના માંડવામાં દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. આજે સવારે શિવાજીનગરના નિવાસસ્‍થાનેથી દંપતિની એક સાથે અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ દૂધસાગર રોડ શિવાજીનગરમાં રહેતાં પ્રેમજીભાઇ ગોવિંદભાઇ ઘાટલીયા (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાની ફ્રન્‍ટી કાર લઇને કોંઢ ગામે માતાજીના માંડવામાં દર્શન કરવા જવા નીકળ્‍યા હતાં. તેમની સાથે પત્‍નિ લાભુબેન પ્રેમજીભાઇ ઘાટલીયા (ઉ.વ.૬૦), પુત્ર મહેશભાઇ પ્રેમજીભાઇ ઘાટલીયા (ઉ.વ.૪૦), પુત્રવધૂ અસ્‍મીતાબેન મહેશભાઇ ઘાટલીયા (ઉ.વ.૩૬), પોત્રી ખુશાલી મહેશભાઇ (ઉ.વ.૮) અને પોૈત્ર કુલદીપ મહેશભાઇ (ઉ.વ.૧) પણ સામેલ થયા હતાં.

આ બધા થાનગઢ નજીક પહોંચ્‍યા ત્‍યારે ટ્રેકટરના ચાલકે કાર સાથે અકસ્‍માત સર્જતા કારનો બૂકડો બોલી જતાં કારચાલક પ્રેમજીભાઇ તથા આગળ બેઠેલા પત્‍નિ લાભુબેન, પોૈત્રી ખુશાલીને ઇજાઓ થઇ હતી. જ્‍યારે મહેશભાઇ, અસ્‍મીતાબેન, કુલદીપનો બચાવ થયો હતો. ઘાયલોને સારવાર માટે થાન અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પ્રેમજીભાઇ અને પત્‍નિ લાભુબેનના મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર પ્રેમજીભાઇ ચુનારાવાડમાં કટલેરીનો વેપાર કરતાં હતાં. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે  કરતાં થાન પોલીસે કાર્યવાહી કરી હતી. સવારે શિવાજીનગરના નિવાસસ્‍થાનેથી પતિ-પત્‍નિની અંતિમયાત્રા નીકળી ત્‍યારે કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં.

(2:45 PM IST)