<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

વજુભાઈ બારૈયાની હવામાન આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૧થી ૨૪ મે દરમિયાન કમોસમી વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને સંભવિત વાવાઝોડાને પગલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન : ખેડૂતોને સાવચેતી રાખવા સલાહ

સાવરકુંડલા: જાણીતા હવામાન આગાહીકાર વજુભાઈ બારૈયાએ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, મે મહિનાના અંતિમ દિવસો એટલે કે તારીખ ૨૧, ૨૨, ૨૩ અને ૨૪ દરમિયાન આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
વજુભાઈ બારૈયાએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ આવી શકે છે. તેમણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને ચોટીલા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને વડોદરામાં પણ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે.
વધુમાં તેમણે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે, જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે ટકરાઈ શકે છે. તેમણે આ આગાહીને ૮૦ ટકા સુધી સાચી માનવા જણાવ્યું છે અને કહ્યું કે વાવાઝોડું બન્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે. વજુભાઈ બારૈયાએ સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામથી આ આગાહી કરી છે અને ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા અને તૈયારી રાખવા અનુરોધ કર્યો છે. તેમનો સંપર્ક નંબર ૯૯૧૩૨૧૭૧૨૩ છે.

 

(9:52 PM IST)