<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સવારે સાવરકુંડલામાં વરસાદ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાથી ખેડૂતોની માઠી

કમોસમી વરસાદ પડવા છતા પણ અસહ્ય ઉકળાટઃ વાદળછાયુ વાતાવરણ

 

 

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગઇકાલથી વાતાવરણમાં પલ્‍ટા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

આજે સાવરકુંડલામાં સવારે વરસાદ પડયો છે.

વરસાદ પડવા છતાં સર્વત્ર અસહ્ય ઉકળાટ યથાવત છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ગોહિલવાડ પંથકમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. સવારે ૭ વાગે તે જ પવન ફૂંકાયો હતો. જ્‍યારે જિલ્લાના તળાજા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો હતો. જિલ્લાના અન્‍ય તાલુકામાં પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્‍યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કમોસમી વરસાદનો માહોલ ઊભો થયો છે. ગઈકાલે રાત્રે શહેરમાં વરસાદનું ઝાપટું પડી આ બાદ આજે સવારે સાત વાગે શહેરમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાક ની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો.

ભાવનગરના તળાજામાં ૧૫ મી.મી., ગારીયાધારમાં પ મી.મી. , મહુવામાં ૨ મી.મી.અને જેસરમાં પ મી.મી. વરસાદ નોંધાયો છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા :.. સાવરકુંડલા શહેર અને પંથકમાં ગઈકાલે વાજડી સાથે થોડી વાર આવેલા તોફાની વરસાદ બાદ વિરામ થઈ ગયો હતો ત્‍યારે આજે સવારે ૯ વાગ્‍યા થી ફરી પાછો જોરદાર પવન અને ગડગડાટ સાથે જોરદાર વરસાદ વરસવો શરૂ થયો છે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું  હોય દિવસ ના પણ અંધારું છવાઈ ગયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ સવારથી ઉકળાટ વચ્‍ચે વરસાદી માહોલ રહ્યો હોવાથી ગમે ત્‍યારે કમોસમી વરસાદ થવાની શકયતા જોવાઈ રહી છે.

મંગળવારે જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે અસહ્ય બફારો રહ્યો હતો. બપોર બાદ ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વિસાવદરમાં અઢી ઇંચ જેતલવડ અને કાલાવડ ગીર વિસ્‍તારમાં ધોધમાર ૫ ઇંચ વરસાદ પડ્‍યો હતો.

કમોસમી વરસાદ અને તોફાની પવનને લીધે ખેતરમાં તૈયાર થયેલો તલનો પાક પલળી ગયો હતો અને આંબા પરથી કેરી પણ ખરી ગઈ હતી ઉનાળુ મગ સહિતના પાકને ફરીથી નુકસાન થયું હતું.

દરમિયાન આજે સવારથી પણ વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. સવારે જુનાગઢનો લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી રહ્યું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની  પ્રતિ કલાકની ઝડપ ૫.૬ કિલોમીટરની રહેવા પામી હતી.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :..

સુરેન્‍દ્રનગર જિલ્લામાં છેલ્લાં ૨ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમીનો પારો થોડો નીચો આવ્‍યો છે. પરંતુ વરસાદ ન થતાં અકળાવનારો બફારાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્‍યારે મંગળવારે પણ વરસાદ થયો ન હતો. પરંતુ તાપમાન ૪૦ ડિગ્રીએ સ્‍થિર રહ્યું હતું. જ્‍યારે હવાની ગતિ અને ભેજમાં વધારો થયો હતો.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં મે મહિનાનો મધ્‍યકાળ બાદનો સમય વાતાવરણમાં ઉતાર ચકાવવાળો રહ્યો છે. જેમાં શરૂઆતના ૨-૩ દિવસ વરસાદ બાદ ૨ દિવસ વરસાદ ન થતા સતત ગરમીનો પારો વધી એક સમયે ૪૨ ડિગ્રી પહોંચી ગયો હતો. ત્‍યારે જિલ્લામાં ૩ દિવસ આગાહી વચ્‍ચે ૨ દિવસથી વરસાદ નથી થયો. પરંતુ વાદળછાયું વાતાવરણ અને હવાની ગતિ, ભેજ વધારાને કારણે ગરમીનો પારો ઘટી ગયો છે. ત્‍યારે મંગળવારે લઘુતમ તાપમાન ૨૯.૯ અને મહત્તમ ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું.

હવાની ગતિ ૧૨ કિમી, ભેજ ૫૭ ટકા નોંધાયો હતો. જેની સરખામણી સોમવાર સાથે કરીએ તો સોમવારે લઘુતમ તાપમાન ૨૮.૮ અને મહત્તમ ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ ૧૧ કિમી, ભેજ ૫૫ ટકા નોંધાયો હતો. આમ ૨૪ કલાકમાં હવાની ગતિ ૧ કિમી અને ભેજ ૩ ટકા વધ્‍યો હતો. જેને લઇ લઘુતમ તાપમાન ૧ ડિગ્રી વધ્‍યું અને મહત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી વધ્‍યું હતું. જ્‍યારે આગામી ૩ દિવસ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની આગાહી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.પ, મહત્તમ તાપમાન ૩પ.૬, ભેજનું પ્રમાણ ૭૬ ટકા, પવનની ગતિ ૧ર.પ કિ. મી. રહી હતી. (પ-૧૧)

(11:02 AM IST)