<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

હિરલબા અને સાગરીત હિતેશ બન્ને કોર્ટમાં રજુઃ રિમાન્‍ડ મંગાશે

અપહરણ અને પૈસાની લેતી દેતીના મામલે જુનાગઢ જેલમાં રહેલા હિરલબા અને પોરબંદર જેલમાંથી હિતેશ ઓડેદરાની સાયબર ક્રાઇમના ગુન્‍હામાં અટક

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧ : રૂપીયા ૭૦ લાખની લેતી દેતી અને અપહરણ કેસમાં જુનાગઢ જેલ હવાલે થયેલા  હિરલબા જાડેજા અને પોરબંદર જેલમાં રહેલ તેનો સાગરીત હિતેશ ઓડેદરાની પોલીસે સાયબર ક્રાઇમના વધુ એક ગુન્‍હામાં અને હિતેશની પોલીસે અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. હિરલબા અને હિતેશ ઓડેદરા બંનેને રિમાન્‍ડની માંગણી સાથે આજ રોજ કોર્ટમાં રજુ કરાશે.

રૂપિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુનામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરીતો સામે સાઇબર ક્રાઈમનો ગુન્‍હો નોંધાયો હતો.  જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્‍ટમાંથી અમુક રકમ હિરલબાના સાગરીતોના ખાતામાં જમા થયાનું ખૂલ્‍યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરીતનો કબ્‍જો લીધો હતો.

હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગાંધી રાખવાના નોંધાયેલા ગુના બાદ પોલીસે જ્‍યારે હિરલબા જાડેજાના નિવાસસ્‍થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્‍યારે કેટલીક બેન્‍કના દસ્‍તાવેજો સહિત મિલ્‍કતોના દસ્‍તાવેજો મળી આવ્‍યા હતા અને બેન્‍ક એકાઉન્‍ટ વિષે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.એસ.આઈ. વી.આર ચાવડાની તપાસમાં એવુ ખુલ્‍યુ હતુ કે કોટક મહિદ્રા બેન્‍કના ૧૪ જેટલા શંકાસ્‍પદ ખાતા પોરબંદરમાં હિરલબા સાથે  સંકળાયેલા હોય તેવા લોકોના મળ્‍યા હતા. જેમાં પાંચ જેટલા  ખાતામાં છેતરપીડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦  હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્‍સફર થઇ હતી અને આ કેસમાં ટૂંકા ગાળામાં ખુલેલા ૧૪ ખાતામાંથી ૧૦ ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્‍થાન હતુ. તેથી બેન્‍ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્‍સ સામે સાઇબર ક્રાઈમ હેઠળ ગુન્‍હો દાખલ કર્યો  હતો. આ મામલે આજે  રિમાન્‍ડની માગણી સાથે હિરલબા અને સાગરીત હિતેશ ઓડેદરાને કોર્ટમાં રજૂ કરાશે.

(11:15 AM IST)