News of Wednesday, 21st May 2025
ધોરાજી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : સગીર દીકરી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા : માતાને પણ મદદગારી બદલ 20 વર્ષ કેદ!
ભારતીય ન્યાય સંહિતા હેઠળ સજાનો પ્રથમ કિસ્સો : સગી મા દ્વારા આવા કૃત્યમાં મદદગારીનો પણ સંભવતઃ પહેલો કિસ્સો

કિશોર રાઠોડ દ્વારા,ધોરાજી : ધોરાજી કોર્ટે એક સનસનાટીભર્યા અને ઐતિહાસિક ચુકાદામાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને 20 વર્ષની સજા ફટકારી છે. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ભોગ બનનાર બાળકીની સગી માતાને પણ આવા અધમ કૃત્યમાં મદદગારી કરવા બદલ 20 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ આ સજાનો આ ધોરાજી કોર્ટનો પહેલો કિસ્સો હોવાનું મનાય છે, અને સગી માતા દ્વારા આવા કૃત્યમાં મદદગારી બદલ સજાનો પણ આ સંભવતઃ પહેલો કિસ્સો છે.
ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી
બનાવની વિગત એવી છે કે, ભોગ બનનાર બાળકીની ફઈબાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. ફઈબાના ઘરે પિતૃકાર્ય હતું ત્યારે ભોગ બનનાર ત્યાં આવેલી હતી અને તે ગુમસુમ રહેતી હતી. પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, તેની માતા તેને ધરારથી મોબાઈલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઈ પટેલ પાસે મોકલે છે અને પિયુષ તેની સાથે દુષ્કર્મ આચરે છે. એટલું જ નહીં, પિયુષ HIV ગ્રસ્ત હોવાનું પણ જાણવા મળ્યું હતું. ભોગ બનનારની માતા આ કૃત્ય માટે પિયુષ પાસેથી પૈસા પણ લેતી હતી.
તત્કાલીન PSI દર્શકભાઈ મજીઠિયાએ ફરિયાદ નોંધી તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપી પિયુષ કિશોરભાઈ વિરુદ્ધ સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોક્સો (POCSO) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ ગુનો નોંધાયો હતો. જ્યારે ભોગ બનનારની માતા (જેની ઓળખ છતી ન થાય તે માટે નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે) વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ચાર્જશીટ કરવામાં આવી હતી.
કોર્ટ કાર્યવાહી અને મહત્વના પુરાવા
ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબ સમક્ષ આ સમગ્ર કેસ ચાલ્યો હતો. ટ્રાયલ દરમિયાન, રવિભાઈ રામોલિયા અને કરણસિંહ ચુડાસમા નામના બે તટસ્થ સાક્ષીઓએ જાગૃત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા આરોપી પિયુષ સાથે મોકલતી હતી તેના વીડિયો ઉતારીને રજૂ કર્યા હતા, જે કેસમાં મહત્વના પુરાવા બન્યા.
તપાસ કરનાર અધિકારી દર્શકભાઈ મજેઠિયાએ તમામ પુરાવાઓ એકત્ર કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલા હતા. આરોપી પિયુષ HIV ગ્રસ્ત છે તેના દસ્તાવેજો, તેમજ ભોગ બનનારની જન્મતારીખ અંગેના આધારો પણ મેળવવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓ નામદાર અદાલત સમક્ષ રજૂ થયા હતા.
આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવ્યો હતો કે ભોગ બનનારની માતા અને ભોગ બનનારના પિતાને વૈવાહિક જીવનમાં તકરાર ચાલે છે, અને ભોગ બનનારની માતા આરોપી પિયુષ મોબાઈલનો વેપાર કરે છે તેની પાસે જાય તે તેના પિતાને ગમતું નથી, જેથી આ ખોટી ફરિયાદ કરી ભોગ બનનાર મારફતે ખોટી રીતે છૂટાછેડા મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમજ આ બનાવના કોઈ નજરે જોનાર સાક્ષીઓ ન હોવાની દલીલ પણ કરવામાં આવી હતી.
સરકાર પક્ષની દલીલો અને કોર્ટનો ચુકાદો
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલો કરી હતી કે, ભોગ બનનાર માત્ર 13 વર્ષ જેવી ઉંમરના છે. તેની માતા તેની કુદરતી વાલી હોવા છતાં અને ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી તેની માતાની હોવા છતાં, આવા અધમ કૃત્યમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં. મેડિકલ એવિડન્સ અને ભોગ બનનારની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરવાર છે. બે સાક્ષીઓ દ્વારા રજૂ કરાયેલી મોબાઈલ ક્લિપ જેમાં ભોગ બનનારને આરોપી પિયુષ મોટરસાયકલમાં લઈ જઈ રહ્યો છે, તે પણ ભોગ બનનારના કથનને સમર્થન આપે છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠેરવવા જોઈએ.
બંને પક્ષની દલીલો સાંભળીને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે ભોગ બનનારની માતાને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાંથી મુક્ત કર્યા હતા. જોકે, પોક્સો એક્ટ તથા BNSની કલમ મુજબ આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને વારંવાર દુષ્કર્મ આચરવા બદલ 20 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો. વધુમાં, ભોગ બનનારની માતાને આવા કૃત્યમાં મદદગારી કરવા અને ગુનાનું દુરપ્રેરણ કરવા માટે 20 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશો આપે છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
