News of Thursday, 22nd May 2025
ખંભાળીયા પંથકમાં વંટોળીયો ફુંકાયોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ
હળવો ભારે વરસતો કમોસમી વરસાદઃ મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા અસહ્ય ગરમી

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોબારી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં વંટોળીયો ફુંકાયો હતો.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ગઇકાલે ભારે પવન વરસાદની આગાહી વચ્ચે બપોરે બે -અઢી વાગ્યે ખંભાળીયા નજીકના વિસ્તારો ધરમપુર, રામનગર, હર્ષદપુર, શકિતનગર તથા કેશોદ, હરિપર, દાંતા, સિંહણ વિ. ગામોમાં ભારે પવન સાથે વંટોળીયા આંધી જેવો ધુળ-ડમરીવાળો પવન ફુંકાયો હતો. કેશોદ વિસ્તારમાં અતિ ભારે પવન સાથે આંધી જેવું થતાં લોકો ભયભીત થઇ ગયા હતા તો ભાણવડ તાલુકાના કેટલાક ગામોમાં તથા ખંભાળીયાના હરિપુર અને ધરમપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડયા હતાં.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લા પાટણમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી હતી. ત્યારે પડોશી જિલ્લામાં પડેલ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લાના પાટણની સરહદે આવેલા ગામડાઓમાં દેખાય છે. મંગળવારે રાત્રે ૧૦થી ૧૨ના સમયગાળામાં દસાડા તાલુકાના પાટણની સરહદે આવેલા પાનવા, વડગામ, દસાડા, જરવલા, નવરંગપુરા અને પાટડી શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદને લીધે પાટડીની સુરજમલજી હાઈસ્કૂલમાં રમાતી ક્રીકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મોકુફ રાખવી પડી હતી. જિલ્લાના અન્ય કોઈ સ્થળે વરસાદના વાવડ નથી. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે સુર્યનારાયણ આકરા તપ્યા હતા. જયારે બુધવારે મહત્તમ તાપમાન ૪૦.૫ ડીગ્રી નોંધાયુ હતુ.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૬, મહત્તમ ૩૭, ભેજનું પ્રમાણ ૭પ ટકા, પવનની ગતિ ૧૧.૮ કિ. મી. રહી હતી. (પ-૧ર)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
