News of Thursday, 22nd May 2025
હિરલબા અને સાગરિત હિતેશ બન્નેના ર દિ'ના રિમાન્ડ મંજુર
લાખો રૂપિયાની લેતીદેતી પ્રશ્ને ૩ વ્યકિતઓનું અપહરણ અને માર મારવાના ગુન્હામાં ઉંડાણપૂર્વક તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ લાખો રૂપિયાની લેતીદેતી પ્રશ્ને ૩ વ્યકિતઓનું અપહરણ તથા માર મારવા તેમજ સાયબર ક્રાઇમના ગુન્હામાં જેલમાં રહેતા મહિલા અગ્રણી હિરલબા જાડેજા અને તેના સાગરિત હિતેશ ઓડેડરાને ૧૦ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે હિરલબા અને સાગરિત હિતેશ બન્નેના ર દિ'ની રિમાન્ડ મંજુર કર્યા છે.
લાખની લેતી દેતી પ્રશ્ને ત્રણ વ્યકિતઓને ગોંધીને માર મારવાના ગુનામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાતા જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરિતનો કબ્જો લીધો હતો અને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હા બાદ પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં બેન્ક મેનેજરના નિવેદન બાદ પોલીસે હિરલબા સહિત છ શખ્સ સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં હિરલબા જાડેજા તથા તેના સાગરિતો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તેઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના રૂપિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કરોડો રૂપિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સાઇબર ક્રાઇમના ગુનામાં તેમની હિરલબાની તથા તેમના સાગરીત હિતેશ ઓડેદરાને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટ દ્વારા તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
