News of Thursday, 22nd May 2025
જુગાર તોડકાંડમાં સરેન્ડર થયેલા હેડ કોન્સ્ટેબલ ત્રણ દિવસના રિમાન્ડ પર : PI હજુ પણ ફરાર
મોરબીના કમ્ફર્ટ હોટલ હાઈપ્રોફાઈલ જુગારધામ કેસ : ફરાર જાહેર કરાયેલા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા : ટંકારા નજીક આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર દરોડો પાડી, કથિત રીતે તોડકાંડ આચરવાના પ્રકરણમાં સંડોવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ફરાર જાહેર કરાયેલા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ સરેન્ડર કરતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા પીઆઇ વાય.કે. ગોહિલ હજુ પણ ફરાર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 25 ઓક્ટોબરના રોજ ટંકારા નજીક આવેલી હોટલ કમ્ફર્ટ રિસોર્ટમાં ઈન્ચાર્જ પીઆઇ વાય.કે. ગોહિલે દરોડો પાડીને રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત કુલ 63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રેડ બાદ પોલીસબેડામાં ખળભળાટ અને તપાસનો ધમધમાટ
આ હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પરના દરોડા બાદ પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. દરોડા બાદ વહીવટને લઈને પણ ચર્ચાઓ ઉઠી હતી. આ મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઇ વાય.કે. ગોહિલને વાંકાનેર રેન્જમાંથી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. આ જુગાર ક્લબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.
જોકે, વાત આટલેથી અટકી ન હતી. પોલીસ અને મોરબી જિલ્લામાં ચકચાર જગાવતા, સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતની ટીમે રૂબરૂ ધામા નાખ્યા બાદ એક ધગધગતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન બંને આરોપીઓ તેમના રહેણાંક મકાનો, ફરજના સ્થળો અને સગા-સંબંધીઓના ઘરે પણ મળી આવ્યા ન હતા. આથી, બંને આરોપીઓ વિરુદ્ધ મોરબીની સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ દ્વારા BNSS-કલમ-84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં તપાસ કરનાર અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા માટે આરોપીઓને હુકમ કરવામાં આવ્યો હતો.
આ હુકમ બાદ આજે મહિપતસિંહ સોલંકી લીંબડી પોલીસ મથકે હાજર થયાનું જાણવા મળ્યું છે. તેમની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
