<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મોરબીના પ્રેમજીનગર ગામે પૈસાની લેતીદેતીમાં હત્યા પ્રકરણમાં એકને ૨૦ વર્ષની સજા, પાંચ નિર્દોષ જાહેર.

મહિલાઓ સહીત પાંચ નિર્દોષ જાહેર, એકને ૨૦ વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીના પ્રેમજીનગર ગામે દુકાનેથી લીધેલા માવાના પૈસાની માંગણી કરતા પૈસા આપવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી તલવાર, ધોકા અને પાઈપ વડે માર મારી ઈજા કરી હતી જે મારામારીમાં ગંભીર ઈજાગ્રસ્તનું યુવાનનું મોત થયું હતું જે કેસ કોર્ટમાં ચાલી જતા એક આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે તો મહિલાઓ સહીત પાંચ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૮-૧૧-૨૦૨૧ ના રાત્રીના અગિયારથી સાડા અગિયાર વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં આરોપી સુરેશ ફરિયાદીના દીકરા ગુલાબભાઈ શેખવાની દુકાને માવા લેવા ગયો ત્યારે સુરેશ અગાઉ માવા લઇ ગયો તેના બાકી રાખેલા પૈસા માંગતા બોલાચાલી કરી ગાળો આપી હતી જેથી જયેશભાઈ, સુનીલભાઈ અને ગુલાબભાઈ તેના ઘરે સમજાવવા ગયા હતા ત્યારે આરોપી ચુનીલાલે ગુલાબભાઈને માથામાં તલવારનો ઘા મારી તેમજ જયેશ અને સુનીલ પરમારને માર મારી ઈજા કરી તેમજ અન્ય અરીપીઓએ ગુલાબભાઈને લાકડાના ધોકાથી માર મારી ઈજા પહોંચાડી હતી જે મારામારીમાં ઈજાગ્રસ્ત ગુલાબભાઈનું મોત થયું હતું.
જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ કોર્ટમાં રજુ કરેલ દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોહનભાઈ રવજીભાઈ વઘેરા, હસમુખભાઈ ઉર્ફે હસું મોહન વઘેરા, કાંતાબેન ચુનીલાલ વઘેરા, રાકેશ ચુનીલાલ વઘેરા અને સુરેશ ચુનીલાલ વઘેરાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે તો કોર્ટે આરોપી ચુનીલાલ કમાભાઈ વઘેરાને કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ ફટકાર્યો છે તેમજ આરોપી ચુનીલાલને કલમ ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ, કલમ ૩૨૩ મુજબના ગુનામાં 1 વર્ષની સજા અને રૂ ૧૦૦૦ દંડ, કલમ ૩૨૪ મુજબના ગુનામાં 1 વર્ષની સજા અને રૂ ૧૦૦૦ દંડ ફટકાર્યો છે.
આરોપી ચુનીલાલ કમાભાઈ વઘેરાએ ભરેલ દંડમાંથી ઈજા પામનાર જયેશભાઈને રૂ ૨૫ હજાર અને ગુજરનાર ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાના વારસદારોને રૂ ૭૫ હજાર એમ કુલ 1 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે

(12:08 AM IST)