<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદથી ખાનાખરાબી : રાજકોટમાં પાણી ભરાયા : વીજળી પડતાં ગોંડલમાં શ્રમિકનું મોત

ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાને કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી: બેલડા ગામે મકાન પર વીજળી પડતા છતમાં ગાબડું :ગોંડલ યાર્ડમાં છાપરા ઉડ્યા : જણસી પલળી જતા મોટું નુકશાન

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતના કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં નાટ્યાત્મક ફેરફાર જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભરઉનાળે દિવસભર અસહ્ય બફારાના સાંજ પડતાં અચાનક સૂસવાટા મારતા પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ તૂટી પડે છે. આજે પણ સૌરાષ્ટ્રમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતુ.

ભારે પવન ફૂંકાવાના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો તેમજ વીજ થાંભલા ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વીજળી પડવાના કારણે પણ અનેક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

 

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર બે કલાકમાં જ 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હોવાનું અનુમાન છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગોંડલ અને જેતપુરમાં પણ એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ગોંડલમાં આકાશમાંથી વીજળી પડતાં શંકરસિંહ ચૌહાણ (48) નામના શ્રમિકનું મોત થયું છે. મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના અનાકર ગામના શંકરસિંહ ગોંડલમાં વાડીમાં કામ કરતા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આવી જ રીતે જામકંડોરણા તાલુકાના બેલડા ગામે પણ જયરાજસિંહના મકાન પર વીજળી પડાં છતમાં ગાબડું પડી જતાં પરિવાર ભયભીત થયો છે.

રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી સહિતના જિલ્લાઓમાં પણ એક ઇંચથી લઈ બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાને કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેના કારણે રસ્તાઓ અવરોધાયા હતા અને વીજળી પૂરવઠાને પણ અસર પહોંચી હતી.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે છાપરામાં રાખવામાં આવેલી ડુંગળી સહિતની જણસીઓ પલળી ગઈ હતી. યાર્ડ સત્તાધીશો દ્વારા છાપરામાં ઉતારવામાં આવેલી જણસીઓ પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે.

(12:14 AM IST)