<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

સુરેન્‍દ્રનગર-વઢવાણમાં સાંજે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની માત્ર ૧૫ મિનીટ તોફાની ઈનિંગઃ વૃક્ષ પડયુ- બાઇકને નૂકશાન

 (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. અંદાજે ૧૦થી ૧૫ મિનિટ આવેલા વરસાદથી અનેક સ્‍થળે વળક્ષ ધરાશાયી થવાના બનાવો બન્‍યા છે. જેમાં જવાહર ગ્રાઉન્‍ડ રોડ ઉપર તો પાર્ક કરેલા બાઈક પર વળક્ષ પડતા બાઈકને નુકશાન થયુ હતુ. જિલ્લામાં અન્‍ય કોઈ સ્‍થળે વરસાદના વાવડ નથી.

રાજયના અમુક જિલ્લાઓમાં વરસાદ છેલ્લા ૩-૪ દિવસથી વરસી રહ્યો છે. ત્‍યારે ઝાલાવાડમાં તા. ૨૨મીએ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્‍યકત કરી હતી. ત્‍યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ ગુરૂવારે તા. ૨૨મીના રોજ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. અને વીજળીના ચમકારા, વાદળોની ગડગડાટ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. દિવસભર સુર્યનારાયણે આકરો તાપ વરસાવ્‍યો હતો. અને ગુરૂવારે મહત્તમ તાપમાન ૪૨.૩ ડીગ્રી નોંધાયુ હતુ. જે બુધવારના મહત્તમ તાપમાન ૪૦.૫ની સામે ૧.૮ ડીગ્રી વધુ હતુ. ત્‍યારે ગુરૂવારે દિવસભરના ઉકળાટ બાદ સાંજે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરવાના બદલે ઉકળાટ વધ્‍યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદથી લોકોને રસ્‍તા પર બે મીનીટ થંભી જવુ પડતુ હતુ.

તુરંત વીજ પુરવઠો ઠપ કરી દેવાયો

સુરેન્‍દ્રનગર જિલ્લામાં વીજ કંપનીએ જાણે પ્રિ-મોન્‍સુનની કોઈ કામગીરી કરી જ ન હોય તેમ સામાન્‍ય વરસાદમાં પણ વીજ પુરવઠો ઠપ કરી દેવાય છે. ત્‍યારે ગુરૂવારે ભારે પવન સાથેના વરસાદથી હંમેશાની જેમ વીજ કંપની દ્વારા તુરંત વીજ પુરવઠો ઠપ કરી દેવાયો હતો. જેને લીધે લોકોને ભારે બફારામાં શેકાવુ પડયુ હતુ. વરસાદ રહી ગયાના એકાદ કલાક સુધી વીજ પુરવઠો કાર્યરત થયો ન હતો.

અચાનક જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ગુજરાતના ઘણા ભાગોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાથી કયાંક પાણી ભરાઈ જવા તેમજ રોડ રસ્‍તાઓ પણ પાણી ભરાઈ ગયા છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્‍કેલીમાં મૂકાયા છે. સુરેન્‍દ્રનગરમાં ભારે ઉકળાટ વચ્‍ચે એકાએક વરસાદ ખાબકયો હતો. તેમજ તેની સાથે પવન પણ ફૂંકાયો હતો.

ભારે વરસાદ પડ્‍યો

સુરેન્‍દ્રનગર શહેરમાં ભારે ઉકળાટ વચ્‍ચે એકાએક ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશમાં વીજળીના કડાકા સાથે માવઠું ખાબકી ગયું હતું.જેથી સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ પ્રસરી ગયો હતો. સુરેન્‍દ્રનગરમાં ભારે પવન ફૂંકાયો હતો. વરસાદ શરૂ થતાં જ કયાંક મંડપો ઉડી ગયા તો કયાંક બેનરો હવા સાથે ઊડીને રસ્‍તા પર ખસી ગયા, જેના કારણે વાહનવ્‍યવહાર થોડી ક્ષણ માટે ખોરવાયો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભારે પવન ફૂંકાતા મંડપો અને બેનરો ઉડી ગયા હતા.જેના લીધે લગ્ન પ્રસંગોમાં લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્‍યો હતો. તો તાપમાનમાં તુરંત ઘટાડો નોંધાયો અને ગરમીના કારણે હેરાન થયેલા લોકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. ઉકળાટમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત અનુભવાઈ હતી. તો વધારે વરસાદ વરસતા ખેડૂતોએ તૈયાર કરેલો પાક ખરાબ થઈ જશે. તેવી સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. તો ગુજરાતના ઘણા વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડતાં પાક ધોવાયો છે.

સુરેન્‍દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં મોડીસાંજે પલટો આવ્‍યો હતો અને સાર્વત્રિક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો ત્‍યારે અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્‍ચે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

જ્‍યારે જીલ્લાના મુળી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન, લીંબડી, ચુડા, પાટડી, લખતર સહિતના તાલુકાઓમાં પણ મોડીસાંજે વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ભારેથી અતીભારે વરસાદ નોંધાયો છે. જ્‍યારે જીલ્લામાં ફરી વરસાદ ખાબકતા ખેડુતોના જીવ તાળવે ચોટયા છે અને ઉનાળુ પાકને આ વરસાદના કારણે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે.

(11:38 AM IST)