News of Friday, 23rd May 2025
જામનગરમાં ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે!
૨૮ મેના રોજ સરકારી પોલિટેકનિક ખાતે આયોજન : તજજ્ઞો દ્વારા પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ અભ્યાસક્રમોમાં કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે માર્ગદર્શન અપાશે

જામનગર: ધોરણ ૧૦ પછી ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જામનગરમાં એક મહત્ત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં રહેલી વિવિધ કારકિર્દીની તકો વિશે માહિતી આપવા માટે આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે.
સેમિનારનું સ્થળ અને સમય
આ સેમિનાર આગામી તારીખ ૨૮ મે, ૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧:૩૦ કલાક દરમિયાન સરકારી પોલિટેકનિક, સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, વાલસુરા રોડ, જામનગર ખાતે યોજાશે. આ સેમિનારમાં સરકારી પોલિટેકનિક, જામનગરના અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમો જેમ કે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર વગેરે ક્ષેત્રોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો અને તેમાં ભવિષ્યની તકો શું છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
સરકારી પોલિટેકનિકના આચાર્ય દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને યોગ્ય દિશા પૂરી પાડવાનો છે, જેથી તેઓ પોતાના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ એ કારકિર્દીનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે, અને આ સેમિનાર તેમાં મદદરૂપ થશે. તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેમિનારમાં મહત્તમ સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
