<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જામનગરમાં વામ્બે આવાસમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો : સર્વેલન્સ સ્ક્વોડે બે ચોરને ₹૫૭,૭૦૦ના મુદ્દામાલ સાથે દબોચ્યા!

પહલગામ હુમલા બાદ વધેલી સુરક્ષા સજ્જતા રંગ લાવી : જૂના ત્રણ માળિયા બ્લોક નં-૧૯માંથી થયેલી ₹૧ લાખથી વધુની ચોરીમાં બે શખ્સો ઝડપાયા : સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કબજે : પોલીસની સરાહનીય કામગીરી

જામનગર: જામનગર શહેરમાં તાજેતરમાં પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સુરક્ષા સજ્જતા અને પોલીસની સક્રિયતા રંગ લાવી છે. જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે વામ્બે આવાસ, જૂના ત્રણ માળિયા બ્લોક નં-૧૯, રૂમ નં-૨૪માંથી થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા બે ઈસમોને ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹૫૭,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ચોરીની ઘટના અને ગુનાની નોંધ
જામનગર જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર જિલ્લામાંથી અનડિટેક ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યરત હતું.
ફરિયાદી સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા, ઉંમર ૬૨, જેઓ વામ્બે આવાસ, જૂના ત્રણ માળિયા, બ્લોક નં.૧૯, રૂમ નં.૨૪, જામનગર ખાતે રહે છે, તેમણે રૂબરૂ આવીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તારીખ ૧૩/૦૫/૨૦૨૫ ના કલાક ૧૨:૦૦ થી તારીખ ૧૪/૦૫/૨૦૨૫ ના કલાક ૨૩:૩૦ વાગ્યા દરમિયાન તેઓ ઘર બંધ કરીને બહારગામ ગયા હતા. બહારગામથી પરત ફરતા તેમના રહેણાંક મકાનના રસોડાની બારી તોડી, ઘરના રૂમમાં રાખેલા પતરાના કબાટની તિજોરી તોડીને તેમાંથી અલગ અલગ બનાવટના સોનાના દાગીના (જે તે સમયે બનાવ્યા તે વખતની આશરે કિંમત ₹૮૨,૬૦૦/-) તથા રોકડા ₹૨૦,૦૦૦/- મળી કુલ ₹૧,૦૨,૬૦૦/- ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.- ૧૧૨૦૨૦૦૨૨૫૦૯૨૯/૨૦૨૫ બી.એન.અસ. કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બાતમી આધારે ચોરો ઝડપાયા
આ ગુનો અનડિટેક હોય તે શોધી કાઢવા માટે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એ. ઘાસુરાની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી. બરબસીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ કનુભા જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, ઉપરોક્ત ચોરીમાં જણાય આવેલા શકદાર બે ઇસમો ધરારનગર-૧, સાતનાલા પાસેથી પસાર થવાના છે. જેમાં એક ઇસમ કાળા કલરનો શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે તથા દાઢી રાખેલ છે, જ્યારે બીજો ઇસમ જાંબલી કલરનો શર્ટ અને બજરીયા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.
આ હકીકતના આધારે, નીચે જણાવેલ નામવાળા ઇસમોને પકડી પાડીને તેમની પૂછપરછ અને અંગઝડતી કરતા તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે એ.એસ.આઇ. યશપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ ધોરણસરની કાર્યવાહી કરીને ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કર્યો છે.
પકડાયેલા આરોપીઓ અને કબજે કરાયેલ મુદ્દામાલ
પકડાયેલ આરોપીઓ:
૧. અલી રજાકભાઈ ભગાડ, રહે. વામ્બે આવાસ, જૂના ત્રણ માળિયા, બ્લોક નં.૧૯, રૂમ નં.૧૮, જામનગર.
૨. અશોકભાઈ અમૃતલાલ વડગામા, રહે. હર્ષદમીલની ચાલી, ક્રિષ્નાપાર્ક, શેરી નં-૨, જામનગર.
કબજે કરેલ મુદ્દામાલ:
૧. બુટી, વજન ૧.૩૦૦ મિલીગ્રામ, આશરે કિંમત ₹૬,૨૦૦/-
૨. બે ઝીણા નંગવાળી જેન્સની વીંટી, નંગ-૧, વજન ૩.૦૦ મિલીગ્રામ, આશરે કિંમત ₹૧૭,૫૦૦/-
૩. બે ઝીણા નંગવાળી જેન્સની વીંટી, નંગ-૧, વજન ૧.૩૪૦ મિલીગ્રામ, આશરે કિંમત ₹૬,૫૦૦/-
૪. એક જોડી કાનની સર, વજન ૩.૫૨૦ મિલીગ્રામ, આશરે કિંમત ₹૧૭,૦૦૦/-
૫. રોકડા રૂપિયા ₹૧૦,૫૦૦/-
કુલ મુદ્દામાલની કિંમત ₹૫૭,૭૦૦/-.
આ સમગ્ર કાર્યવાહી ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એ. ઘાસુરાની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી. બરબસીયા તથા સ્ટાફના એ.એસ.આઇ. યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ એમ. જાડેજા, હરદીપસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમશીભાઈ ડાંગર, શીવભદ્રસિંહ એમ. જાડેજા, રવિભાઈ એન. બુજડ, યુવરાજસિંહ બી. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઈ પરમાર વગેરે દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સફળતા જામનગર પોલીસની કાર્યક્ષમતા અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

(10:17 PM IST)