News of Saturday, 24th May 2025
હવે ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી: આધેડ અને સગર્ભાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ
ભાવનગર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરુષમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને સુરત પછી હવે ભાવનગર શહેરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. જેમાં આજે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ભાવનગર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરુષમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા, તેમણે ખાનગી હોસ્પિટલમાં પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સંદર્ભે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે.
જ્યારે બીજો કોરોનાનો કેસ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. જ્યાં એક સગર્ભાને પણ સામાન્ય લક્ષણો જણાતા કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હાલ સગર્ભાની હાલત પણ સ્થિર હોવાનું જાણવા મળ્યુંછે.
ખાસ વાત એ છે કે, બન્ને કોરોના સંક્રમિત દર્દીઓમાં ગંભીર લક્ષણો ના હોવા છતાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા હોવાથી અગમચેતીના ભાગરૂપે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના 10 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
