<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જોડિયામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કિસાન ક્રેડિટ કાર્ડ અને NFDP રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો : 50 પગડિયા માછીમારોને લાયસન્સ અપાયા!

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને 'સાગરખેડૂ' બિરુદ આપી આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી : મંત્રી રાઘવજીભાઈ પટેલનું ઉદ્બોધન : જોડિયા અને સચાણાને 2-2 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય

જામનગર, 26 મે: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કિસાન ક્રેડિટ કાર્ડ અને નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ (NFDP) રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મંત્રી રાઘવજીભાઈના હસ્તે 50 જેટલા પગડિયા માછીમારોને લાયસન્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો લાંબો દરિયાકિનારો હોવાને કારણે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય અગ્રેસર છે. જામનગરનો દરિયાકિનારો પણ 170 કિલોમીટર લાંબો છે અને જિલ્લાના છ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પૈકી જોડિયા એક મહત્વનું કેન્દ્ર છે, જ્યાં મોટાભાગે માછીમારી સાથે સંકળાયેલો સમુદાય વસવાટ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માછીમારોની ઓળખ સ્થાપિત કરવા માટે તેમને NFDP (નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ) પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને "સાગરખેડૂ"નું બિરુદ આપીને તેમનો આર્થિક વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યના બંદરો, જેટીઓ અને માછીમારીના સ્થળોનો વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
જોડિયા અને સચાણા માટે 2-2 કરોડની કેન્દ્રીય સહાય:
કેન્દ્ર સરકાર દ્વારા “ક્લાઇમેન્ટ રેઝીલીએન્ટ કોસ્ટલ ફીશરમેન વિલેજીસ” (CRCFV) અંતર્ગત ગુજરાત રાજ્યના આઠ ફિશરમેન વિલેજ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં જામનગર જિલ્લાના બે બંદર - જોડિયા અને સચાણા -નો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત પ્રતિ ગામ દીઠ 2 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ ભંડોળનો ઉપયોગ જોડિયા ખાતે આવેલી હાલની જેટીના સમારકામ, હાઇમાસ્ટ ટાવર, સોલર સ્ટ્રીટ લાઇટ, બંદર પર વર્કિંગ શેડ અને માછીમારી બોટોમાં બેટરી ચાર્જિંગ માટે સોલર પ્લેટ જેવા કામો માટે કરવામાં આવશે, જે માછીમારો માટે સુવિધાઓમાં વધારો કરશે.
NFDP: માછીમારો માટે ડિજિટલ ક્રાંતિ:
ઉલ્લેખનીય છે કે, નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ (NFDP)ની શરૂઆત હાલમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) હેઠળ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)ની પેટા યોજના છે. NFDP માં દરેક માછીમાર નોંધણી કરાવી શકશે અને આમાં નોંધણી કર્યા બાદ તે આ અંગેનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશે. નોંધણી કરનાર માછીમારોને સરકારની વિવિધ યોજનાઓ વગેરેની માહિતી પણ SMS મારફત મળશે. NFDP માં નોંધણી કરાવવા માટે https://nfdp.dof.gov.in/nfdp/#/ પર જવાનું રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય ધરમશીભાઈ ચનિયારા, અગ્રણીઓ જેઠાલાલભાઈ, ભરતભાઈ દલસાણીયા, પ્રવીણભાઈ મારવડીયા, દામજીભાઈ ચનીયારા, અકબરભાઈ પટેલ, રસિકભાઈ ભંડેરી, વલ્લભભાઈ કોઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જે. પી. તોરણીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન અને મત્સ્યોદ્યોગ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. લીડ બેંકના મેનેજર પટેલ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી તથા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક જે.બી.બારડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

 

(5:13 PM IST)