<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં એસીબીની સફળ ટ્રેપ :જુનિયર ઈજનેર 1.43 લાખની લાંચ લેતા ઝડપાયો

કરાર આધારિત જુનિયર ઈજનેર રાજેશકુમાર સેવરાએ પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરી ચેક આપવા લાંચ માંગી હતી : પાલિકામાં બિલ મંજુર થયું છતાં ત્રણ વર્ષથી ચુકવણી થતી નહોતી

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ફરજ બજાવતા કરાર આધારીત જુનિયર એન્જીનીયર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા રૂ. 1,43,000 ની લાંચ લેતા ઝડપાયો છે.

નગરપાલીકા કચેરી, ચોરવાડ, તા.માળીયા હાટીના, જિ.જૂનાગઢ ખાતે બાંધકામ શાખામાં ફરજ બજાવતા કરાર આધારીત જુનિયર ઇજનેર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા રૂા.૧,૪૩,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

આરોપી રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા (ઉ.વ. 39), જુનિયર ઈજનેર તરીકે ચોરવાડ નગરપાલિકા કચેરીની બાંધકામ શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા હતા.

ફરીયાદી તરીકે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2022માં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં. 2માં પેવર બ્લોકના કામ માટે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કામ પૂર્ણ કર્યા બાદ તેનું બિલ નગરપાલિકા કચેરીમાં મંજૂર પણ થયું હતું, તેમ છતાં ત્રણ વર્ષ પછી પણ તેને ચુકવણી મળતી નહતી.

જુનિયર ઈજનેર રાજેશકુમાર સેવરાએ બિલ પાસ કરીને ચેક આપવાની પ્રક્રિયા પૂરાં કરવાની લાંચની માંગણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે બિલની કુલ રકમના 15 ટકા તરીકે રૂ. 1,46,000/- લાંચ રૂપે માંગવામાં આવ્યા હતા.

ફરિયાદીએ લાંચ ન આપવાનો નિર્ણય કરીને ACBના ગીર સોમનાથ યુનિટનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને આજ રોજ તા. 26 મે 2025ના રોજ, એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું.

 ACB ટીમે પંચોની હાજરીમાં ચોરવાડ નગરપાલિકા કચેરી ખાતે ટ્રેપ ગોઠવી આરોપી ઈજનેરને રૂ. 1,43,000ની લાંચની રકમ સ્વીકારતી વખતે રંગે હાથ ઝડપી લીધો હતો. લાંચની આ રકમ ઘટનાસ્થળેથી જ ACB દ્વારા રિકવર કરવામાં આવી છે.

(9:10 PM IST)