<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

કાલાવડ તાલુકામાં વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી. : આંગણવાડી ખાતે કિશોરીઓને માસિક સ્વચ્છતાનું માર્ગદર્શન અપાયું!

28 જેટલી કિશોરીઓને સેનેટરી પેડ, પૂર્ણાશક્તિ અને આયર્ન ગોળીઓ વિશે માહિતી અપાઈ : જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ

જામનગર : દર વર્ષે 28 મેના રોજ 'વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે'ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ માસિક સ્વચ્છતાને લગતા મુદ્દાઓ પર ખુલીને વાતચીત કરી શકાય અને મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે જાગૃતિ કેળવવાનો છે. માસિક સ્રાવ એ સ્ત્રીઓના જીવન સાથે સંકળાયેલી એક કુદરતી અને માતૃત્વનું સૂચક પ્રક્રિયા છે, જે સ્ત્રીના શરીરમાં દર મહિને થતી આ કુદરતી પ્રક્રિયા સૂચવે છે કે તે માતા બનવા માટે સક્ષમ છે. આ દિવસ માસિક ધર્મ સંબંધી સ્વચ્છતા જાળવવા અને તેને લગતી ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ:
આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ, કાલાવડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખરેડીના ડેરી ગામની આંગણવાડી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમ દ્વારા મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું, જેમાં એમ.પી.ડબલ્યુ પિયુષભાઈ વાઘેલા, એફ.એચ.ડબલ્યુ અંજુબેન નિસરતા, ગામના આશા કાર્યકર હંસાબેન પરમાર અને આંગણવાડી વર્કર રેખાબેન શામેલ હતા. આ ટીમે વિસ્તારની 28 જેટલી કિશોરીઓને 'મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે' અંતર્ગત માસિક સ્વચ્છતા અને સેનેટરી પેડ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોષણ અને સ્વાસ્થ્ય પર ભાર:
આ ઉપરાંત, કિશોરીઓને આંગણવાડી ખાતે ઉપલબ્ધ પૂર્ણાશક્તિના પેકેટ વિશે માહિતી આપવામાં આવી હતી. આયર્ન ગોળીઓનું મહત્વ અને એનીમિયા (પાંડુરોગ) વિશે પણ તેમને સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, કાર્યક્રમમાં ઉપસ્થિત છોકરીઓનો વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી. ઓછું હિમોગ્લોબિન ધરાવતી 2 કિશોરીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડી રીફર કરવામાં આવી હતી, જ્યારે અન્ય કિશોરીઓને આયર્નની ગોળીઓનું મહત્વ અને પોષણયુક્ત આહાર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા માસિક સ્વચ્છતા અને સ્ત્રી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારવામાં મદદ મળે છે, જે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને દૂર કરવા અને મહિલાઓના સશક્તિકરણ માટે અત્યંત આવશ્યક છે.

 

(9:08 PM IST)