News of Wednesday, 28th May 2025
બાવળાના ગેસ્ટ હાઉસમાં ત્રણ વર્ષથી ચાલતા ગર્ભપાત કરાવવાના કોૈભાંડનો પર્દાફાશઃ નર્સ સહિત ત્રણ મહિલાની ધરપકડઃ ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: બાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ હેમલતાબેન કલ્પેશભાઇ દરજી કોઈ મેડિકલ ડિગ્રી ન ધરાવતી હોવા છતાં ગેરકાયદે રીતે ગર્ભપાત કરવાનું કામ કરી રહી છે. બાવળાની સાણંદ ચોકડી પાસે આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમીના આધારે પોલીસે તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી મેડીકલ સ્ટાફ સાથે એસઓજીએ પનામા ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી, જે દરમિયાન ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૧૦૫માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર નણંદ એમ ત્રણની ભૃણ સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી દવાની ટેબલેટ મળી આવી હતી. પોલીસે આરોપી હેમલતા કલ્પેશભાઇ દરજી (રહે. શાંતિનગર સોસાયટી, કલિકૂંડ, ધોળકા) સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગર્ભપાત કરાવનાર મહિલાને બ્લિડિંગ વધુ થતું હોય અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જયારે સમગ્ર કોૈભાંડમાં ગેસ્ટહાઉસના સંચાલકની પણ સંડોવણી ખુલ્લી છે.
ડી.વાય.એસપી. સાણંદ નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે આરોપી નર્સ હેમલતા દરજીએ નર્સીંગનો કોર્ષ કર્યો છે અને ધોળકા અને બાવળાની અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કરી ચુકી છે. હાલ આરોપી નર્સ બાવળાની બિન્દ્રા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આરોપી નર્સે ડોક્ટર સાથે કામ કર્યું હતું, આથી તે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી. છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ રીતે ગેરકાયદે રૂા.૧૦ હજારમાં જ ગર્ભપાત કરતી હતી. નર્સ પાસે ગર્ભપાત કરવા માટેની કે ટેબલેટ આપવી શકાય તેવી કોઇ ડિગ્રી ન હતી. નર્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનો ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવ્યો છે તે તપાસ બાદ જ સામે આવશે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
