<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ભાણવડના હાથલામાં શ્રી શનિદેવ મંદિરે શનિદેવ જયંતિની ભવ્‍યતાથી ઉજવણી

સોમવાર અને મંગળવાર બે દિવસ અમાસનો ભાગ હોવાથી ર દિવસ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૮ :  ભાણવડના હાથલા ગામે આવેલા અત્‍યંત પ્રાચીન ઐતિહાસિક તથા પુરાતત્‍વ દ્વારા એવા શનિદેવ પનોતી દેવી મંદિરે શનિ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી તથા ભાવિકોના ઘોડાપુર ઉમટયા હતા.

મંગળવારે શનિજયંતિ હતી પણ સોમવારે પણ ચૌદસ અમાસ ભેગી થતી હોય રાત્રે બાર વાગ્‍યાથી ભાવિકોનું આગમન શરૂ થયું હતું તો નજીકના વિસ્‍તારોમાંથી ભાવિકો વિશાળ સંખ્‍યામાં પગપાળા પણ ઉમટયા હતા.

અત્‍યંત પ્રાચીન શનિદેવની બે પ્રાચીન મૂર્તિઓ તથા સાડાસાતી તથા અઢી વર્ષની પનોતી દેવીના સાંનિધ્‍યમાં પૂજા કરવા પનોતી ઉતારવા લાઇનો લાગી હતી તો મંદિરના ટ્રસ્‍ટીઓ તથા પૂજારીઓ દ્વારા તથા સ્‍થાનિક વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

ભાણવડ પીઆઇ કે.બી. રાજવી તથા મામલતદાર ભાણવડ પણ વ્‍યવસ્‍થામાં જોડાયા હતા તથા મંદિરના ટ્રસ્‍ટી તથા પૂજારીઓ વિનોદપુરી દિનેશપુરી, કેવીનપુરી, ઇશ્વરપુરી, હિતેશપુરી, ગોવિંદ પુરી વિ. દ્વારા ખાસ વ્‍યવસ્‍થા ભાવિકો માટે દર્શનની કરાઇ હતી તથા આફ્રિકાના જાણીતા જયંતિથી સંજયભાઇ થાનકી તથા અન્‍ય સેવકો શનિદેવ ભકતો સવારથી મોડી રાત્રિ સુધી વ્‍યવસ્‍થામાં જોડાયા હતા તથા ભાવિકો માટે ગુંદી ગાઠીયાના પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.  રાત્રે રાજભા ગઢવી તથા મયુર દવેનો લોકોડાયરો યોજાયો હતો જે સાડાબાર વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો. તેમાં પણ મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેડીકલ ચેકઅપની વ્‍યવસ્‍થા પણ મંદિરના સ્‍થળે કરવામાં આવી હતી જેનો લાભ પણ હજારોએ લીધો હતો.

મંદિરમાં સવારથી જ વિશાળ નૂતન ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું તથા લાઇટીંગ ડેકોરેશન સાથે સ્‍વાગત કમાન મંડપ ગોઠવાયા હતા.

(11:31 AM IST)