<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

કચ્‍છમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો બીજો દરોડો : બંનેમાં આઈડી આપનાર સૂત્રધાર હિમાંશુ કિલિંગર કોણ?

૧૧ જણા સામે ફરિયાદ, સ્‍થાનિક પોલીસ સામે સવાલો, યુવા વર્ગ સટ્ટાના રવાડે ચડી વ્‍યાજખોરીના વિષચક્રમાં ફસાય છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯: આઈપીએલ હવે કચ્‍છના યુવા વર્ગમાં ક્રિકેટ સટ્ટાનું માધ્‍યમ બની છે. SMC ના બીજા મોટા દરોડાએ બુકીઓના નેટવર્કને ઉજાગર કર્યું છે ત્‍યારે સ્‍થાનિક પોલીસ સામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. SMC છેક ગાંધીનગરથી ભુજના ખેંગાર પાર્કમાં દરોડો પાડે અને કારમાં બેસી સટ્ટો ખેલતા ૪૦ વર્ષના યુવાન બુકી સ્‍મિત કૈલાસ ઠક્કરને ઝડપી પાડે તેની પાસેથી ૨.૬૫ કરોડ રૂ. ની બેલેન્‍સ સાથેની આઇડી તેમ જ ૧૧ અન્‍ય આઇડી ધારકો ઝડપાય એ બતાવે છે કે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે. સ્‍ટેટ મોનિટરીંગ સેલ પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોડાની ચર્ચા સાથે જ સ્‍થાનિક પશ્‍ચિમ કચ્‍છ પોલીસની કામગીરી સામે ચર્ચા થઈ રહી છે. આ નેટવર્કમાં આઇડી આપનાર તરીકે હિમાંશુ કિલિંગર નું નામ ખુલ્‍યું છે. અઢી મહિના પહેલા SMC એ ભુજ મુન્‍દ્રા રોડ ઉપર કારમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ધરાવતા ભુજના યુવાન મિત ઉર્ફે બબૂ કાંતિલાલ ઠક્કરને ઝડપી પાડ્‍યો હતો. એ કેસમાં પણ હિમાંશુ કિલિંગર નું નામ ખુલ્‍યું હતું. જોકે, એ સમયે પણ SMC ના દરોડાએ સ્‍થાનિક પોલીસની કામગીરી સામે ચર્ચા જગાવી હતી.

ઝડપથી પૈસા કમાવી લક્‍ઝરી લાઈફ જીવવા માટેની ઘેલછા થકી ક્રિકેટ સટ્ટાની લત યુવા વર્ગમાં ઝડપથી ફેલાઈ રહી છે. સટ્ટામાં રૂપિયા ગુમાવનાર યુવાનો ઊંચા વ્‍યાજે રૂપિયા લઈ વ્‍યાજના વિષચક્રમાં ફસાય છે. યુવા વર્ગને જુગારી માનસ માં થી પાછા વાળી મહેનતુ વ્‍યવસાય તરફ વાળવા માટે સટ્ટા બેટિંગ ના ગુનામાં કડક કાયદાની જોગવાઈઓ જરૂરી છે. તો જ આ દૂષણ ઉપર વત્તે ઓછે અંશે અંકુશ આવશે.

(10:38 AM IST)