<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

આજથી ૫ દિવસ કરા સાથે વરસાદ, આકરી ગરમીની આગાહી

વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીકભાઈ વામજાનું પૂર્વાનુમાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૯: આજથી ૫ દિવસ આકરી ગરમી અને બપોર બાદ કરા સાથે ધોધમાર વરસાદ થઈ શકે એવી આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીકભાઈ વામજાએ કરી છે. વધુમાં જણાવ્‍યું હતું કે, મગફળી, સોયાબીન અને તુવેરના પાકોમાં ખેડૂતોને લાભ કરાવવાની સાથે હાથીયા નક્ષત્રમાં ખૂબ ધોધમાર વરસાદ પડવાનું પણ પુર્વાનુમાન છે. આજથી લઈને ૨જી જૂન  સુધી સૌરાષ્‍ટ્રભરમાં અને ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં પ્રચંડ ગરમીની સાથે બફારો અને બપોર બાદ બરફના કરા સાથે કેટલાક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ થશે. તેઓ એમ પણ કહ્યું હતું કે, ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મગફળી, તુવેર અને સોયાબીનના પાકને ખૂબ સારો ફાયદો રહેવાની સાથે કપાસના પાકમાં ગરમી અને વરસાદને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ વધવાથી કપાસમાં ઓછું ઉત્‍પાદન થવાની શકયતા છે.  શ્રી વામજાએ આ વખતનું ચોમાસુ ખૂબ લાંબુ ચાલે તેવા કુદરતમાંથી સંકેતો પણ પ્રાપ્ત થયા હોવાનું પણ  જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, જુલાઈ મહિનામાં મોટાભાગના ડેમો વરસાદી પાણીથી છલકાઈ જવાની શકયતા છે. આ વર્ષે સૌરાષ્‍ટ્રમાં સૌથી વધારે વરસાદ જામનગર પંથકમાં નોંધાય તેવી પણ સંભાવના છે. ચોમાસા દરમિયાન સાપ અને વીંછી કરડવાના બનાવવામાં વધારો નોંધાશે અને સાથે સાથે અવકાશી વીજળીથી નાના દુધાળા પશુઓને મોટું નુકસાન થવાની સાથે સારા ચોમાસા બાદ ખૂબ સારા શિયાળુ પાકની શકયતા છે. આગાહીકાર વામજાએ જણાવેલ કે, ત્રણ તબક્કામાં વાવણી થશે. જેમાં પ્રથમ તબક્કામાં ૬ઠ્ઠી જુનથી ૮મી જૂન, બીજા તબ્‍બકામાં ૨૦ જૂનથી ૨૩ જૂન સુધીમાં ૨૦ ટકા વાવેતર તેમજ ત્રીજા તબક્કાનું વાવણી કાર્ય ૨૮ જૂનથી ૩૦મી જૂન સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વાવણી કાર્ય પૂર્ણ થશે.

(11:58 AM IST)