<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

રાજકોટ રેલ્‍વે ડીવીઝને અનેક મુદાઓ પર રજુઆત કરતા સાંસદ કેશરીદેવસિંહજી

વાંકાનેર તા. ૩૦: રાજકોટ ડીવીઝન ખાતે  કેન્‍દ્રીય રેલ્‍વેના ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ડી.આર.યુ.સી.સી.ની યોજાયેલ મીટીંગમાં વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જૈન શ્રેષ્‍ઠી અને કેન્‍દ્રના રેલ્‍વે કમીટી મેમ્‍બર પ્રદિપભાઇ મહેતા ઉપસ્‍થિત રહી યાંત્રીકોની સુવિધા વધારવા વાંકાનેર જંકશન પરની સુવિધા બાબતે સુચનો રજુ કર્યા હતા.

જેમાં પ્‍લેટફોર્મ નં. ૩ ઉપર લીફટની સુવિધા શરૂ કરવાની રજુઆત સાથે જ કામ શરૂ કરવામાં આવેલ કામ પુર્ણ થયે તુરત કાર્યરત થઇ જશે આ ઉપરાંત વાંકાનેર-જંકશન પર વેઇટીંગ રૂમ માટે રજુઆત કરવામાં આવેલ જે ટુંક સમયમાં અમલ થઇ જશે તેવી ખાત્રી આપેલ હતી.

આ તકે રેલમંત્રીને મુંબઇ-અમદાવાદ વંદેભારત ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવા માટે સાંસદ દ્વારા માંગણી કરવામાં આવી હતી તેનો હકારાત્‍મક પ્રતિસાદ મળેલ હતો આ ઉપરાંત મહેસાણા-વિરમગામ ટ્રેઇનને વાંકાનેર સુધી લંબાવવા રજુઆત કરાઇ હતી. આ ઉપરાંત વાંકાનેર-જંકશન ઉપર નવા સાઇન બોર્ડ, વોટર કુલર, બેન્‍ચ સહીતની પ્રાથમીક કામગીરી તુરત જ પુરી કરવામાં આવશે તેમ ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવેલ હતી.

વધુમાં આગામી દિવસોમાં વાંકાનેર ખાતે ડી.આર.એમ.ની મુલાકાતનું આયોજન છે તેમાં વાંકાનેરને લગતા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.

(11:45 AM IST)