<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મોરબીમાં બંદૂક બતાવીને રૂ.46 લાખની લૂંટ, આરોપીઓને તુરંત પકડી લેવાયા : પોલીસે મોકડ્રિલ જાહેર કરી.

તુરંત રેડ એલર્ટ જારી કરી નાકાબંધી કરી દેવાય, આરોપીને કાર સાથે હળવદ પાસેથી પકડી લેવાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે લૂંટની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બંદૂકની અણીએ રૂ.46 લાખની લૂંટ ચલાવી આરોપીઓ કારમાં હળવદ તરફ ભાગ્યા હતા. બાદમાં પોલીસે તેને હળવદ નજીકથી પકડી લીધા હતા.

મોકડ્રિલની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસ કંટ્રોલરૂમમાં એક ભોગ બનનારે ફોન કરીને જણાવ્યું કે, મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ક્રેટા ગાડીમાં અજાણ્યા માણસોએ ભોગ બનનારને પિસ્તોલ બતાવી તેની પાસેથી ૪૬,૦૦, ૦૦૦/- રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ક્રેટા ગાડી લઈ હળવદ તરફ નાસી ગયેલ છે. ફોન આધારે મોરબી પોલીસ કટ્રોલરૂમ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી તમામ પોલીસ અધિકારી /કર્મચારીઓને પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જવા જણાવતા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સમય મર્યાદામાં પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જઈ લૂંટ કરીને નાસી જનાર ક્રેટા કાર તથા આરોપીઓને પકડી લેવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ ચાલુ કરી હતી.
દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગર તરફથી હળવદ તરફ ગયેલ હોય જેથી એલસીબી પીઆઈએ પોતાની ટીમ સાથે ક્રેટા ગાડીનો પીછો કર્યો હતો. સાથે સમય સૂચકતા દાખવી રોડ ઉપર ટ્રાફિક જામ કરાવી વાહન ચેકિંગ હાથ ધરાયુ હતું. આ દરમિયાન ક્રેટા કાર ટ્રેપમાં આવી જતા તેને રોકી ચેક કરી મુદામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ કરતા પોલીસ અધિક્ષક દ્વારા મોકડ્રીલ કરેલ હોવાનું જાણવા મળતા મોરબી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તેમ મોરબી જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.

(1:44 PM IST)