<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

આકાશવાણી ભુજની ઐતિહાસિક પહેલ : 'કચ્છ જા વાવડ' સાથે કચ્છી ભાષાને મળ્યો વૈશ્વિક મંચ!

દેશ-વિદેશમાં વસેલા લાખો કચ્છીઓ માટે ખુશખબર : દર મંગળવારે સાંજે 5:45 કલાકે સપ્તાહભરના સમાચાર કચ્છી ભાષામાં પ્રસારિત થશે : સંસ્કૃતિ-ભાષાના જતનનો ભવ્ય પ્રયાસ!

વિનોદ ગાલા દ્વારા, ભુજ, 3 જૂન, 2025: દેશના પશ્ચિમ છેડે આવેલા સરહદી જિલ્લા કચ્છે પોતાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ, ભાતીગળ સંસ્કૃતિ અને અનોખી કચ્છી ભાષા માટે હંમેશા આગવી ઓળખ જાળવી રાખી છે. માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા, બ્રિટન, અમેરિકા જેવા અનેક દેશોમાં વસેલા લાખો કચ્છીઓ દ્વારા આ ભાષા ગર્વભેર બોલવામાં આવે છે. આ કચ્છી સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માંગ અને કચ્છી ભાષાના વ્યાપક મહત્ત્વને ધ્યાનમાં રાખીને, આકાશવાણી ભુજના સમાચાર વિભાગ (RNU) દ્વારા એક યુગપ્રવર્તક પહેલ કરવામાં આવી છે.
આજે, 3 જૂનથી, કચ્છી ભાષામાં "કચ્છ જા વાવડ" નામનો એક નવો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દર મંગળવારે સાંજે 5:45 વાગ્યે પ્રસારિત થશે, જેમાં સપ્તાહભરના કચ્છના તમામ મહત્ત્વના સમાચાર કચ્છી ભાષામાં રજૂ કરવામાં આવશે. આનાથી કચ્છી ભાષી શ્રોતાઓને તેમની માતૃભાષામાં માહિતી અને મનોરંજન બંનેનો લાભ મળશે.
RNU ભુજના વડા ડૉ. ચિરાગ ભોરણીયાએ આ ઐતિહાસિક પ્રસંગે જણાવ્યું હતું કે, "દેશના આ મહત્વપૂર્ણ સરહદી જિલ્લાની વિશાળતા અને વિશિષ્ટ પરંપરાગત ઓળખને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને પ્રદર્શિત કરશે તેમજ કચ્છી ભાષાને નવજીવન આપી પ્રોત્સાહન આપશે." આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના વડા શ્રી જયેશ રાવલે આ કચ્છી કાર્યક્રમને આકાશવાણી ભુજની યશકલગીમાં વધુ એક પીંછા સમાન ગણાવ્યો હતો, જે સંસ્થાની લોકભિમુખતા અને સાંસ્કૃતિક સંવર્ધનની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, RNU ભુજ હાલમાં ગુજરાતીમાં વિવિધ દૈનિક સમાચાર બુલેટિન, હેડલાઇન્સ, સમાચાર સમીક્ષા- 'પ્રાસંગિક' તેમજ સાપ્તાહિક ન્યુઝ રીલ કાર્યક્રમ 'સમાચાર દર્પણ'નું સફળતાપૂર્વક પ્રસારણ કરી રહ્યું છે. આ ઉપરાંત, દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમ પર આધારિત કચ્છી બુલેટિન પણ રજૂ કરવામાં આવે છે. હવે આજથી કચ્છીમાં આ નવા સાપ્તાહિક કાર્યક્રમની શરૂઆત થવાથી શ્રોતાઓનો એક મોટો સમૂહ રેડિયો અને સોશિયલ મીડિયા (RNU Bhuj યુટ્યુબ ચેનલ) ના માધ્યમથી આકાશવાણી સાથે જોડાશે. આ પહેલ કચ્છી ભાષાના જતન અને પ્રચાર માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

(6:00 PM IST)