<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મોરબીમાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને 7 દિવસમાં આપવાની રહેશે

પરપ્રાંતિય કામદાર/ખેત શ્રમિકના પૂર્વ ઈતિહાસ અને નાગરિકતાનું પોલસ સ્ટેશન ખાતે વેરીફાઈ કરાવવું ફરજિયાત: પરપ્રાંતિય ભાડુઆત તથા ખેત શ્રમિક/ભાગિયાની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબીજિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજિયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના 15 દિવસમાં આપવાની રહેશે.

કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમિક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઈસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

કારખાના/ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગિયા માટે માંગ્યા મુજબની વિગતો રજીસ્ટર/બાયોડેટાની સીડી તૈયાર રાખવા તથા તે મુજબની માહિતી સિટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજિસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-7માં જમા કરાવવાની રહેશે.


 

(1:05 AM IST)