<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રિલાયન્સે પડાણા ગામ અને રિફાઇનરી સંકુલમાં યોજ્યું અનોખું 'એન્ટિ-ટોબેકો' અભિયાન : તમાકુમુક્ત ભવિષ્યનો સંકલ્પ!

'વર્લ્ડ નો ટોબેકો ડે' નિમિત્તે જામનગર ડેન્ટલ કોલેજ સાથે સહયોગ : ૧૭૫થી વધુ ગ્રામજનો - કર્મચારીઓએ લીધી પ્રતિજ્ઞા : મોઢાના કેન્સરના નિદાન કેમ્પનું પણ આયોજન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા જનહિતમાં એક અસરકારક 'એન્ટિ-ટોબેકો' જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ, ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી, પડાણા ગામ અને રિલાયન્સ રિફાઇનરી સંકુલમાં આ ઘનિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ તમાકુના ઘાતક પરિણામો વિશે જાગૃતિ લાવવી, મોઢાના કેન્સરનું સમયસર નિદાન કરવું અને ગ્રામજનોને તમાકુમુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.
વ્યાખ્યાન અને સામૂહિક પ્રતિજ્ઞા:
આ અભિયાન અંતર્ગત દંતચિકિત્સકો ડો. રોહિત અગરવાલ, ડો. મનીષા શ્રીકર અને ડો. ગીતા ડાંગરએ તમાકુના ઉપયોગના જોખમો, મોઢાના કેન્સરનું સમયસર નિદાન અને તમાકુ છોડવાની રીતો વિશે માહિતીસભર વ્યાખ્યાનો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને રિફાઇનરીના કર્મચારીઓએ સામૂહિક રીતે તમાકુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જે આ અભિયાનની સફળતા દર્શાવે છે.
નિ:શુલ્ક મોઢાના કેન્સર નિદાન કેમ્પ અને સેલ્ફી બૂથ:
વ્યાખ્યાન બાદ મોઢાના કેન્સરના નિદાન માટે એક નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૭૫ થી વધુ ગ્રામજનો અને મોટી સંખ્યામાં રિફાઇનરીના કર્મચારીઓ, ખાસ કરીને વાહનચાલકો, જોડાયા હતા. કેટલાક શંકાસ્પદ દર્દીઓના થૂંકના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા, જેથી આગળની તબીબી તપાસ થઈ શકે.
જાગૃતિ અભિયાનને વધુ લોકભાગીદારીયુક્ત બનાવવા માટે કેમ્પના કેન્દ્રસ્થાને 'સેલ્ફી બૂથ' મૂકવામાં આવ્યું હતું. કેમ્પમાં જોડાનાર સૌ લોકોએ 'તમાકુમુક્ત જીવન'ના સંદેશા સાથેના પ્લેકાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ફોટાઓ લઈને સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ પ્રસરે તે દિશામાં પણ એક પગલું ભર્યું હતું.
રિલાયન્સનું સામાજિક ઉત્તરદાયિત્વ:
આ સમગ્ર અભિયાનથી પડાણા અને રિફાઇનરી વિસ્તારમાં માત્ર જાગૃતિ જ નહીં, પરંતુ તમાકુ વિરોધી સંકલ્પમાં સમુદાયની સક્રિય ભાગીદારી જોવા મળી છે, જે તંદુરસ્ત ભવિષ્ય તરફ ઉઠાવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.
નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ નિયમિતપણે હાથ ધરે છે. આરોગ્ય સેવા અંતર્ગત તમાકુ નિષેધ અને મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ પ્રતિવર્ષ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આસપાસના ગામોના આશરે ૫૦૦ જેટલા નાગરિકોને આવરી લઈને વ્યસનમુક્તિ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. સતત પ્રયત્નોના પરિણામે સંખ્યાબંધ લોકોએ વ્યસનમુક્તિનો માર્ગ સ્વીકાર્યો છે એટલું જ નહીં, જે લોકોને વ્યસનના કારણે મુશ્કેલીની શરૂઆત થઈ ચૂકી હતી, તેવા ગ્રામજનોની સંપૂર્ણ સારવાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સહયોગ પૂરો પાડીને તંદુરસ્ત સમાજના નિર્માણની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે.

(5:46 PM IST)