<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

પોરબંદરમાં આવતીકાલથી ૩ દિવસ પ્રતિબિંબ કલા પર્વ-મેગા આર્ટ શો

કલા પ્રદર્શનમાં ૩૦૦થી વધુ ચિત્રો-ફોટા અને મૂર્તિઓ જોવા અને ખરીદવાનો લહાવોઃ નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠાન સંસ્‍થાનું અનેરું આયોજન :વુડ કટ પ્રિન્‍ટ લીથો આર્ટ એક્રેલિક, મિકસ મીડિયા, લીપણ આર્ટ, એબ્‍સ્‍ટ્રેક આર્ટ સ્‍ટીયલ આર્ટ, જેવી કલાથી તૈયાર ચિત્રોનું એક સાથે પ્રદર્શનનું શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :..   નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્‍થા પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયાના નેતળત્‍વમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે.

આવતીકાલથી તા. ૬,૭,૮  ત્રણ દિવસ  પ્રખ્‍યાત ચિત્રકારોના ચિત્રો, ફોટોગ્રાફીના શોખીનોએ ક્‍લિક કરેલા ફોટો અને મૂર્તિકારોએ તૈયાર કરેલ મુર્તિઓ પોરબંદરની કલા પ્રેમી જનતાને એક જ જગ્‍યાએ નિહાળવા પ્રતિબિંબ કલાપર્વ  મેગા આર્ટ શોનું ખીજડી પ્‍લોટ ગાર્ડન પોરબંદર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મેગા આર્ટ શોમાં પોરબંદરના પ્રખ્‍યાત ચિત્રકારો, ફોટોગ્રાફી શોખીનો અને મૂર્તિકારોએ તથા શાળા કોલેજમાં અભ્‍યાસ કરતા નવોદિત ચિત્રકારો વગેરેની લગભગ ૩૦૦ જેટલી કલાકળતિઓ જોવા મળશે, જેમાં એક્રેલિક, મિક્‍સ મીડિયા, લીપણ આર્ટ, એબ્‍સ્‍ટ્રેક આર્ટ, સ્‍ટીપલ આર્ટ, વુડ કટ પ્રિન્‍ટ, લીથો આર્ટ જેવી અનેક આર્ટની પદ્ધતિથી તૈયાર થયેલ ચિત્રો પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એકી સાથે એક જ જગ્‍યા પર નિહાળી શકાશે

પોરબંદરમાં આવો ભવ્‍ય આર્ટ શો પ્રથમ વખત યોજાઇ છે ત્‍યારે પોરબંદરના કલા સર્જકો અને આયોજકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્‍ય આર્ટ શો નિહાળવા તા. ૬,૭ અને ૮ જૂન શુક્ર, શનિ રવિ એમ ત્રણ દિવસ ખીજડી પ્‍લોટ ગાર્ડન  ખાતે સવારે ૭ થી ૧૧ અને સાંજે ૪ થી ૧૧ વાગ્‍યા સુધી પોરબંદરની કલા પ્રેમી જનતાને નવરંગ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ પ્રદર્શન દરમિયાન આપને ગમતા કોઈ પણ ચિત્રો કે ફોટોગ્રાફ ખરીદવા હોય તો ખરીદી પણ કરી શકશો.

આ પ્રતિબિંબ મેગા આર્ટ શો સફળ બનાવવા નવરંગના પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા, મંત્રી ડો. તોહલ જોષી, સંયોજક ટીમ ડો. સિદ્ધાર્થ ગોકાણી, પરીમલ મકવાણા, ડો. યેશાબેન શાહ, પરેશ પુરુષવાણી, મિલન પાણખાણીયા, પૂજાબેન રાજા અને નવરંગની સમગ્ર કારોબારી ટીમ જહેમત ઉઠાવી રહી છે. (પ-૪)

(10:43 AM IST)