News of Wednesday, 4th June 2025
મોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા.
સ્પેશ્યલ પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૫ હજાર દંડ ફટકાર્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને સ્પે.પોક્સો કોર્ટે કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનાર સગીરાને વળતર આપવા હુકમ કરવામાં આવ્યો છે.
કેસની પ્રાપ્ત વિગતો મુજબ ૦૭-૦૬-૧૪ ના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની ૧૬ વર્ષની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો જે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી મદદનીશ વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી અરવિંદ ઠાકરશી આત્રેસા રહે લીલાપર તા. મોરબી વાળાને કસુરવાન ઠેરવ્યો હતો.
સ્પે. પોક્સો કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૬ મુજબના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ સાથે જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૪,૬ મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અનર રૂ ૧૦ હજાર દંડ ફટકાર્યો છે.
તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ અન્વયે ભોગ બનનારને રૂ ૪ લાખ અને આરોપી જે દંડની રકમ ભરે તે રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૪,૨૫,૦૦૦ વળતર ચુકવવા હુકમ કર્યો છે જે વળતરની રકમ ચુકવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, મોરબીને હુકમ કરાયો છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
