News of Thursday, 5th June 2025
થાન પાસેની શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી ૧૩ લાખનું ર૭૮૦ કિલો ભેળસેળ યુકત શ્રીભોગ બ્રાન્ડ ‘ઘી' જપ્ત કરાતા ફફડાટ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટકયુઃ અન્ય ફેકટરીમાંથી નમૂનો લેવાયોઃ બટરમાંથી નકલી ઘી બનાવાતું હતું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. પ :.. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરેન્દ્રનગર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શિવ ઇન્ડસ્ટ્રીઝ, સર્વે નંબર ૭૫/૨૧, ચોટિલા રોડ, મુ. ગુગલીયાના. તા. થાનગઢ ખાતે સંયુક્ત તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પર પેઢીનાં જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાને હાજર રાખી જથ્થા વિશે પૂછપરછ કરતા વેપારીએ હાલમાં પેઢીમાં તૈયાર કરેલ ઘી (શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેનાં બટર તેમ જ રિફાઇન્ડ પામોલિન ઓઇલ હાજરમાં હોવાનું સ્વીકાર્યું હતું. જે ખાદ્યચીજ ઘીમાં પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી.
થાનગઢ ચોટીલા હાઇવે ઉપરની ફેકટરીમાં શંકાસ્પદ ઘી બનતુ હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે સંયુકત રેડ કરી નકલી લુઝ ઘી,બ્રાન્ડ લખેલુ ઘી અને બટર સહિત ૧૩.૧૬ લાખ રૂપીયાની કિમતનો જથ્થો જપ્ત સીઝ કરી ફૂડ વિભાગે સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા ગેરકાયદેસર પ્રવળતી ઉપર તવાઇ બોલાવાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીને ચોટીલા-થાનગઢ રોડ ઉપરની ફેકટરીમાં બનતા શંકાસ્પદ ઘીની બાતમી મળતાની સાથે જ ફૂડ સેફટી ઓફીસરની ટીમને સાથે રાખી રેડ કરી હતી.રેડ દરમ્યાન નકલી લુઝ ઘી ૫૨૦ કિલો,શ્રીભોગ બ્રાંડ ઘી ૧૯૫૦ કિલો પેક અને વિકાસ પેસ્ટુરાઇઝ બટર ૬૫ બોક્ષ મળી કુલ ૧૩.૧૬ લાખ રૂપીયાની કિમતનો મુદમાલ જપ્ત કરી જથ્થો સીઝ કરી દેવાયો હતો.બીજી તરફ ફૂડ વિભાગની ટીમે અલગ અલગ સેમ્પલ લઇ આ નકલી ઘી બનાવવા માટે અંદર શું શુ વપરાતુ હતુ.
એની પણ તપાસ શરૂ કરી છે.આમ મોટાપાયે નકલી ઘીનો જથ્થો ઝડપાતા અત્યાર સુધીમાં કેટલા ટન નકલી ઘી વેચ્યુ હશે એની પણ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યુ હતુ કે પ્રાથમીક પુછપરછ દરમિયાન આ નકલી ઘી બનાવવા માટે બીજા રાજ્યમાંથી લાવેલું બટર વપરાતુ હતુ. જ્યારે ફૂડ વિભાગે સેમ્પલ લઇ આગળની તપાસ શરૂ કરી છે.
રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં ઘી (Ghee) સહિત અન્ય ખાદ્યચીજનાં એમ કુલ ૪ નમૂના લેવામાં આવ્યા હતા. વધુમાં ઉક્ત ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે ૨૭૦૦ કિગ્રા કે જેની અંદાજિત કિંમત આશરે રૂ.૧૩ લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. ઉક્ત લીધેલ તમામ ૪ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.
ઉપરાંત, તંત્ર દ્વારા ઉક્ત વેપારીની અન્ય પેઢી મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્ડ કેમિકલ્સ, મુ. ગુગલિયાના. ખાતે તપાસ કરતા સ્થળ પરથી રિફાઇન્ડ પામોલિન ઓઇલની હાજરી જોવા મળી હતી, નમૂનો લેવામાં આવ્યા છે અને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પળથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને શુદ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
