News of Thursday, 5th June 2025
પોરબંદરના દરિયાકિનારેથી ૩.૫૭૫ કિલો ચરસનો બિનવારસી જથ્થો ઝડપાયો : SOG પોરબંદર પોલીસે ૩.૮૬ લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો!
દેશને ખોખલો કરવાના દુશ્મનોના પ્રયાસો નિષ્ફળ : ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દેવાયા બાદ ઓડદર કિનારેથી મળી આવ્યો : પોલીસ દ્વારા જનતા અને માછીમારોને શંકાસ્પદ વસ્તુઓની જાણ કરવા અપીલ

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : પોરબંદર જિલ્લા પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી ફરી એકવાર બિનવારસી માદક પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો છે. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, SOG પોરબંદરની ટીમે ઓડદર દરિયાકિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મેળવી છે. કુલ *૩ કિલો ૫૭૫ ગ્રામ ચરસ (મેરીજુઆના હશીશ)*નો જથ્થો, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૮૬,૨૫૦/- થવા જાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, દેશના દુશ્મનો દ્વારા ભારતને આંતરિક રીતે નબળું પાડવા માટે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવે છે. જોકે, ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેઓ આ પ્રયાસોમાં સફળ થતા નથી અને તેમને ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દેવો પડે છે. આ જથ્થો દરિયાઈ પ્રવાહમાં તણાઈને કિનારે આવતો હોય છે. તાજેતરમાં દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી પણ આવા ડ્રગ્સના કેટલાક જથ્થા મળી આવ્યા હતા, જેના અનુસંધાને પોરબંદરમાં પણ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
SOG પોરબંદરની ટીમ, જેમાં પીઆઈ વાય.જી. માથુકીયા, પી.ડી. જાદવ, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, રવિભાઈ ચાઉ, દીપકભાઈ ડાકી, પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, ભીમભાઈ ઓડેદરા, પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી, અને ડ્રા.પો.હેડ.કોન્સ. ચંદ્રસિંહ જાડેજા સામેલ હતા, તેમણે ઓડદર ગામના દરિયાકિનારે દરિયાની પાણીની લહેર પૂરી થતી હોય તે જગ્યાએથી આ ચરસના બે પેકેટો શોધી કાઢ્યા હતા. જપ્ત થયેલા જથ્થાનું વજન ૩ કિલો ૫૭૫ ગ્રામ થયું છે. આ મામલે હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં FSL અધિકારી અંકિત નારિયા અને ઇન્વે વાન પોરબંદરના કર્મચારીઓ પણ રોકાયેલા હતા.
પોલીસની જાહેર જનતાને અપીલ:
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા અને પગદંડિયા માછીમારોને અપીલ કરવામાં આવી છે કે, જો દરિયાકિનારે આવા કોઈ શંકાસ્પદ પેકેટ કે અન્ય કોઈ પણ બિનવારસી ચીજવસ્તુ જણાય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૬૨૨૪૦૯૨૨, અથવા કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નંબર ૧૦૯૩ પર જાણ કરવી. આ પ્રકારની માહિતી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
