News of Friday, 6th June 2025
ખોરાણાના ખેડુત ધર્મેશભાઇ સોલંકીને ગામના જ પિતા-પુત્રએ અપમાનીત કરી ધમકી દીધીઃ એટ્રોસીટી
ફાટક ખુલતાં જયેશ હાડગરડાને તેના ઢોર સાઇડમાં લેવાનું કહેતાં ગાળો દીધીઃ તેના પિતા સહિત બે જણાએ આવી લાકડી ઉગામીઃ હવે તમને જોઇ લઇશું કહી ડખ્ખોઃ ચર્મકુંડ ઉપર પણ કબ્જો કર્યાનો આરોપ

રાજકોટ તા. ૬: કુવાડવાના ખોરાણા ગામે રહેતાં ખેડુત સાંજે ગામનું રેલ્વે ફાટક બંધ હોઇ બાઇક લઇને ઉભા હતાં ત્યારે ફાટક ખુલતાં ગામના શખ્સને તેના ઢોર સાઇડમાં લેવાનું કહેતાં તેણે તેના પિતા અને કુટુંબી સાથે મળી ખેડુત યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લાકડી ઉગામી તેમજ તારાથી શું થાય, હોય એટલા આવી જાવ, હવે તમને જોઇ લેવા છે કહી ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી છે.
આ બનાવમાં કુવાડવા નજીકના ખોરાણા ગામે રેલ્વે ફાટક પાસે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ધર્મેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ખોરાણામાં જ રહેતાં જયેશ બટુકભાઇ હાડગરડા, બટુકભાઇ તેજાભાઇ હાડગરડા અને ચનાભાઇ મલાભાઇ હાડગરડા સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ધર્મેશભાઇ સોલંકીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે હું રાજકોટથી બાઇક હંકારી મારા ગામે ખોરાણા જતો હતો ત્યારે ગામનું રેલ્વે ફાટક બંધ હોઇ જેથી માણસો ઉભા હતાં. તેમાં અમારા ગામના જયેશ હાડગરડા પણ હતો. તેની આગળ તેના ઢોર ઉભા હોઇ અને થોડીવારમાં ફાટક ખુલતાં મેં જયેશને કહેલ કે તમારા ઢોર સાઇડમાં લઇ લો જેથી હું નીકળી જાઉ. આ સાંભળી જયેશે મને ગાળો દીધી હતી.
એટલીવારમાં જયેશના પિતા બટુકભાઇ અને કુટુંબી સગા ચનાભાઇ પણ આવી ગયા હતાં. જયેશે મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તારાથી શું થાય? જેટલા હોય એટલા આવી જાવ, તેમ કહી લાકડી ઉગામતા તે વખતે મારા કાકાનો દિકરો નરેન્દ્રભાઇ સોલંકી આવી જતાં તેણે મને મારથી બચાવ્યો હતો. આ પછી આ ત્રણેયએ કહેલુ કે તમારાથી જે થાય તે કરી લો. દેકારો થતાં બીજા લોકોએ એકઠા થઇ અમને છોડાવ્યા હતાં. આ વખતે જતાં જતાં પણ ત્રણેયએ મને ફીરથી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હવે તને જોઇ લઇશું કહી ધમકી દીધી હતી. જયેશે અમારા ચર્મકુંડ ઉપર પણ કબ્જો કર્યો છે. જે બાબતે અગાઉ પણ મારી સાથે બોલાચાલી કરી હતી. અમારા સ્મશાનમાં તે ઢોર ચરાવવા આવતાં હોઇ તેમજ ઢોર સ્મશાનમાં બેસાડતાં હોઇ તે અંગે પણ તકરાર થઇ હતી.
ફરી વખત તેણે ગામના ફાટકે મારી સાથે ઝઘડો કરી અપમાનીત કરી ધમકી આપી હતી. તેમ વધુમાં ધર્મેશભાઇએ જણાવતાં હેડકોન્સ. એન. એમ. શિરોડીયાએ ગુનો નોંધતાં વધુ તપાસ એસીપી આર. એસ. બારીયાએ હાથ ધરી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
