News of Sunday, 8th June 2025
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ચાલુ ટ્રકમાં ભીષણ આગ : છાલિયા તળાવ પાસે અફરાતફરી : ધુમાડાના ગોટેગોટા છવાયા
ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ : કોઈ જાનહાનિ નહીં, પરંતુ વાહન બળીને ખાખ : અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ-વે પર પણ બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક ડ્રાઈવર ઘાયલ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર આજે એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે ચકચાર મચી ગઈ હતી. લીંબડી નજીક છાલિયા તળાવ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય વ્યાપી ગયો હતો.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગની ભીષણતા વધુ હોવાથી સ્થાનિકોના પ્રયાસો અપૂરતા સાબિત થયા હતા. આખરે, તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે અને તપાસ ચાલી રહી છે.
અમદાવાદ હાઈવે પર પણ ટ્રક અકસ્માત બાદ આગનો બનાવ:
આ ઘટનાની સાથે જ, રાજ્યમાં વાહન અકસ્માત અને આગના અન્ય એક બનાવમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી એક ટ્રક પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાઈ હતી, જેના પરિણામે બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત બાદ લાગેલી આગ એટલી વિકરાળ હતી કે બંને ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. પાછળની ટ્રકનો ડ્રાઈવર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવોએ રાજ્યના હાઈવે પર વાહન સલામતી અને જાળવણીના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
