News of Sunday, 8th June 2025
સૌરાષ્ટ્ર પ્રો ટી-ટ્વેન્ટી લીગનો રાજકોટમાં ભવ્ય શુભારંભ
ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી ટ્રોફીનું અનાવરણ કર્યું : સૌરાષ્ટ્રની ક્રિકેટ પ્રતિભાઓ માટે અણમોલ ભેટ : નિરંજન શાહ સ્ટેડિયમમાં ટી-20 લીગનો શાનદાર આરંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) દ્વારા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગ ૨૦૨૫નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે ક્રિકેટના જોસ અને ઉજવણીનો અનોખો સંગમ જોવા મળ્યો, જેણે ઉપસ્થિત ચાહકો, ખેલાડીઓ અને મહાનુભાવોના હૃદયમાં ઉત્સાહનો સંચાર કર્યો.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને ટૂર્નામેન્ટનો સત્તાવાર શુભારંભ ઘોષિત કર્યો. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ માનદ સચિવ શ્રી નિરંજન શાહ અને એસોસિએશનના પ્રમુખ શ્રી જયદેવ શાહે ડૉ. માંડવિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સમારોહમાં સંસદસભ્ય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા સભ્ય શ્રી રામભાઈ મોકરીયા, રાજ્યસભા સભ્ય શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટના મેયર સુશ્રી નયનાબેન પેઢડિયા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, ડૉ. અર્જુનસિંહ રાણા સહિત અન્ય પ્રમુખ મહેમાનો ઉપસ્થિત રહ્યા.
*આ ટૂર્નામેન્ટ ખેલાડીઓની પ્રતિભા, સમર્પણ અને રમતગમતની ભાવનાને ઉજાગર કરશે: જયદેવ શાહનું હૃદયસ્પર્શી સંબોધન*
શ્રી જયદેવ શાહે પોતાના સંબોધનમાં કહ્યું, “આજે આપણે ડૉ. મનસુખભાઈ માંડવિયાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ. હું શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, અન્ય મહાનુભાવો, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી માલિકો અને સૌનું આવકારું છું. આ ટૂર્નામેન્ટ ખેલાડીઓની પ્રતિભા, સમર્પણ અને રમતગમતની ભાવનાને ઉજાગર કરશે. ક્રિકેટ એ માત્ર જીતવાની રમત નથી, પરંતુ સાચી ભાવના સાથે રમવાની રમત છે. આપણે પ્રતિસ્પર્ધીઓનું સન્માન કરીએ, નિષ્ઠા જાળવીએ અને ટીમ તરીકે એકજૂટ થઈએ. ચાલો, આ લીગને અવિસ્મરણીય બનાવીએ!”
*સૌરાષ્ટ્ર હંમેશાં ક્રિકેટ પ્રતિભાઓનું કેન્દ્ર રહ્યું છે: આ ટુર્નામેન્ટ ઉચ્ચ સ્તરની રમત માટે તૈયાર થવા વ્યાવસાયિક અને સ્પર્ધાત્મક મંચ પૂરો પાડશે: નિરંજન શાહનો દ્રષ્ટિકોણ*
શ્રી નિરંજન શાહે જણાવ્યું, “આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ગર્વનો દિવસ છે. હું મુખ્ય અતિથિ ડૉ. મનસુખભાઈ માંડવિયા, શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, અન્ય મહેમાનો, ખેલાડીઓ અને હાજર સૌનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગ એ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, પરંતુ એક સ્વપ્નનું સાકાર રૂપ છે. સૌરાષ્ટ્ર હંમેશાં ક્રિકેટ પ્રતિભાઓનું કેન્દ્ર રહ્યું છે. આ લીગ યુવા અને અનુભવી ખેલાડીઓને તેમની કુશળતા દર્શાવવા, નામના મેળવવા અને ઉચ્ચ સ્તરની રમત માટે તૈયાર થવા માટે એક વ્યાવસાયિક અને સ્પર્ધાત્મક મંચ પૂરું પાડશે.”
*ટીમોના કેપ્ટનનો પરિચય:*
શ્રી જયદેવ શાહે પાંચ ટીમોના કેપ્ટનોનો ડૉ. માંડવિયા સાથે પરિચય કરાવ્યો:
-
અનમોલ કિંગ્સ હાલાર: જયદેવ ઉનડકટ
-
ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ: શેલ્ડન જેક્સન
-
જેએમડી કચ્છ રાઇડર્સ: ધર્મેન્દ્રસિંહ જાડેજા
-
દિતા ગોહિલવાડ ટાઇટન્સ: હાર્વિક દેસાઇ
-
આર્યન સોરઠ લાયન્સ: પ્રેરક માંકડ
-
*સૌરાષ્ટ્રે ભારતીય ક્રિકેટને હંમેશાં શ્રેષ્ઠ ખેલાડીઓ આપ્યા છે: ડૉ. મનસુખભાઈનું પ્રેરણાદાયી ઉદબોધન*;
ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું, “સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગના ઉદ્ઘાટનમાં હાજર રહેવું એ મારા માટે ગૌરવની વાત છે. આ લીગ ફક્ત ક્રિકેટ નથી, એ હિંમત, પ્રતિબદ્ધતા અને યુવા ખેલાડીઓ માટે નવી તકોનું સર્જન છે. સફળતા માટે સખત મહેનત અને સમર્પણનો કોઈ વિકલ્પ નથી. જે ખેલાડીઓ પોતાના જુસ્સા અને સતત પ્રયાસો સાથે આગળ વધે છે, તેઓ જ સફળ થાય છે. સૌરાષ્ટ્રે ભારતીય ક્રિકેટને હંમેશાં શ્રેષ્ઠ ખેલાડીઓ આપ્યા છે. આ ધરતીએ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ટ્રોફીઓ જીતી છે. હું આ લીગના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું અને શ્રી નિરંજનભાઈ, શ્રી જયદેવભાઈ તેમજ આયોજકોની આ શાનદાર આયોજન માટે પ્રશંસા કરું છું. શ્રી નિરંજનભાઈના દાયકાઓના યોગદાને કારણે સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ખીલ્યું છે.”
તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને ક્રિકેટના વિકાસ માટેની દૂરંદેશી પહેલની સરાહના કરી. તેમણે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન ઘોષિત કર્યું, જેનું ખેલાડીઓ, અધિકારીઓ અને ચાહકોએ ઉભા થઈને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
*ટ્રોફીનું ભવ્ય અનાવરણ:* એક યાદગાર ક્ષણમાં ડૉ. મનસુખભાઈ માંડવિયાએ શ્રી નિરંજન શાહ, શ્રી જયદેવ શાહ, ઉપપ્રમુખ શ્રી દીપક લાખાણી, માનદ સચિવ શ્રી હિમાંશુ શાહ, માનદ સંયુક્ત સચિવ શ્રી કરણ શાહ, સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગના ચેરમેન શ્રી જયવીર શાહ, એપેક્સ કાઉન્સિલના સભ્યો, પાંચેય ટીમોના કેપ્ટન, ફ્રેન્ચાઇઝી માલિકો, અરિવા સ્પોર્ટ્સના પ્રતિનિધિઓ અને અન્ય મહેમાનોની હાજરીમાં સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગ ૨૦૨૫ની ભવ્ય ટ્રોફીનું અનાવરણ કર્યું.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
