News of Tuesday, 10th June 2025
ઓન લાઈન શેર ટ્રેડિંગમાં લાખો કમાવવાની લાલચમાં ભુજના જાણીતા તબીબે ૪૧ લાખ ગુમાવ્યા
ડો. આનંદ ચૌધરીની પોલીસ ફરિયાદ:એક મહિનામાં કચ્છમાં ચોથો બનાવ, વધુ રૂપિયા કમાવવાની લાલચમાં અજાણ્યા વ્યક્તિઓ, અજાણી લિન્ક ઉપરનો ભરોસો પડી શકે છે ભારે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ઓન લાઈન ચિટિંગના અનેક બનાવો આપણી નજર સામે બનતા હોવા છતાંય લોકો તેમાં લાલચના કારણે ફસાઈ રહ્યા છે. ઝડપથી વધુ રૂપિયા કમાવવાની લાલચ અભણ વ્યક્તિઓને જ નહીં પણ ભણેલા વ્યક્તિઓને પણ ઓન લાઈન ચિટિંગમાં ફસાવી દે છે. ભુજના જાણીતા ફિઝિશિયન ડો. આનંદ ચૌધરી ઓન લાઈન શેર ટ્રેડિંગ ફ્રોડ નો ભોગ બની ફસાયા અને રૂપિયા ૪૧ લાખ ગુમાવવા પડ્યા. કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં ડો. આનંદ ચૌધરીએ લખાવેલી ફરિયાદ મુજબ ફેસબુક ઉપર ઓન લાઈન ફોરેક્સ ટ્રેડિંગની જાહેરાત જોઈ તેમણે સંપર્ક કરતા તેમને સંહિથા રેડ્ડી નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે ત્રણ લાખ રૂપિયાનું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવાનું કહેતા તેમણે રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ આપેલ ટિપ્સ મુજબ ઓન લાઇન વ્યાપાર કરતા નફો પણ બતાવાયો હતો. જોકે, ત્યાર બાદ આ તબીબને વધુ કમાણી કરવા માટેની સલાહ અપાઈ અને તબીબે વધુ રૂપિયા ૨૪ લાખ ભરી નાખ્યા હતા. ઓન લાઈન વોલેટમાં દર્શાવતા નફાના રૂપિયા ફરિયાદી તબીબ ડો આનંદ ચૌધરીએ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવાનો પ્રયાસ કરતા થઈ શક્યા નહોતા. એટલે ઓન લાઈન ચીટરોએ રૂપિયા ટ્રાન્સફર કરવા કરન્સી ડિફરન્સ અને ટેક્સના બહાને વધુ ૧૭ લાખ રૂપિયા ભરાવ્યા હતા. બાદમાં તબીબને ઠગાઈનો અહેસાસ થયો હોઈ હવે મામલો સાયબર ક્રાઈમ પોલીસમાં પહોંચ્યો છે. સરકાર અને પોલીસની વારંવાર સૂચના બાદ પણ ઓન લાઈન ઠગાઈમાં લોકોનું ફસાવવાનું પ્રમાણ વધ્યું છે. ગાંધીધામ, આદિપુર અને ભુજમાં ઓન લાઈન શેર ફોરેક્સ ટ્રેડિંગમાં ઠગાઈનો આ ચોથો કિસ્સો છે.
(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
