News of Tuesday, 10th June 2025
જામનગરનું સચાણા ગ્રામ પંચાયત ૫૦ વર્ષ બાદ બિનહરીફ : મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયાસોથી ભાજપ તરફી સમરસ ગ્રામ પંચાયત બની
લઘુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા સચાણામાં રાજકીય સૌહાર્દ સ્થાપિત : સરપંચ અને તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા : ગામના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો

(મુકુંદ બદીયાણી દ્વારા) : જામનગર તાલુકાનું સચાણા ગામ, જે આશરે ૮૦૦૦ જેટલી વસ્તી અને લઘુમતી મુસ્લિમ વસ્તી ધરાવે છે, તેણે આજે ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બિનહરીફ ગ્રામ પંચાયત ચૂંટીને એક નવો અધ્યાય રચ્યો છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અથાગ પ્રયાસો અને સ્થાનિક રાજકીય આગેવાનોના સહયોગથી સચાણા ગ્રામ પંચાયત ભાજપ તરફી સમરસ જાહેર થઈ છે.
છેલ્લા ૫૦ વર્ષથી સચાણા ગ્રામ પંચાયત ક્યારેય સમરસ થઈ નહોતી, પરંતુ આ વખતે રાઘવજીભાઈ પટેલે સ્થાનિક રાજકીય આગેવાનોને સમજાવીને એકસંપ અને સુલેહથી રહેવા તથા ગામનો સર્વાંગી વિકાસ થાય તે બાબતે સમજાવ્યા હતા. જેના પરિણામે, સરપંચ સારાબેન અકબરભાઈ કકલ અને તમામ ૧૦ સભ્યો સહિતની ગ્રામ પંચાયત બિનહરીફ ચૂંટાઈ છે.
સમરસ ગ્રામ પંચાયત પાછળના મુખ્ય યોગદાનકર્તાઓ
સચાણા ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઉપરાંત, સ્થાનિક આગેવાનો જેવા કે માછીમારી સમાજના આગેવાન અને પ્રમુખ મામદસીદીક ગંઢાર, કાદરભાઈ અકબરભાઈ કકલ, અલીભાઈ જુમાભાઈ કકલ, સલીમભાઈ જુમાભાઈ કકલ, જાવેદભાઈ સલીમભાઈ ગંઢાર વગેરેએ ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું.
આ ઐતિહાસિક ઘટના સચાણા ગામમાં શાંતિ, એકતા અને વિકાસના નવા યુગનો પ્રારંભ સૂચવે છે. બિનહરીફ ગ્રામ પંચાયત ચૂંટાવાથી ગામમાં આંતરિક વિવાદો ઘટશે અને વિકાસના કાર્યો વધુ ઝડપથી હાથ ધરી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલ ગુજરાતના અન્ય લઘુમતી વસ્તી ધરાવતા ગામો માટે પણ પ્રેરણાદાયી બની શકે છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
