<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિંછીયા તાલુકાની ફુલઝર ગ્રામ પંચાયતના સરપંચ પદે અમૃતભાઈ પરમાર બિનહરીફ

સરપંચના હરીફ ઉમેદવારને ત્‍યાં શૌચાલય નહીં હોવાથી તેમનું ફોર્મ રદ થતાં બિનહરીફ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૩: વિછીયા તાલુકાના ફુલઝર ગામે સરપંચની ચૂંટણી માટે હરીફ ઉમેદવાર  ચનાભાઇ કરશનભાઇ વાળોદરાનું તેમના ઘરે શૌચાલય નહીં હોવાથી ફોર્મ રદ થતાં ચૂંટણી  બિનહરીફ થઈ છે.

વિછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરીફ થઈ હતી પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ચનાભાઇ કરશનભાઇ વાળોદરા તથા અમળતભાઈ પુનાભાઈ પરમાર એમ કુલ બે વ્‍યક્‍તિના ફોર્મ ભરાયા હતા. દરમિયાન ચાનાભાઇ વાળોદરાએ ચૂંટણીના નિયમો મુજબ તેમના ઉમેદવારી ફોર્મ સાથે તેમના ઘરે શૌચાલય હોવાનું એકરાર નામું રજૂ કર્યું હતું.  ચકાસણીના દિવસે સરપંચના હરીફ ઉમેદવાર  અમળતભાઈ પુનાભાઈ પરમાર દ્વારા ચૂંટણી તંત્રમાં વિરોધ રજૂ કરતા જણાવ્‍યું હતું કે ચાનાભાઇ વાળોદરાએ ખોટું એકરાર નામું રજૂ કર્યું છે ખરેખર તેમના ઘરે શૌચાલય નથી.

આ ફરિયાદ બાદ વિછીયા મામલતદાર એચ.ડી. બારોટ અને નાયબ મામલતદાર ડી.જી. આચાર્યના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી એમ. કે. પરમારે તલાટી મંત્રી દ્વારા તપાસ કરતા ખરેખર તેમના ઘરે શૌચાલય નહીં હોવાથી તેમનું ફોર્મ રદ થયું હતું જેને કારણે અમળતભાઈ પરમાર થયા હતા. આમ વિછીયા તાલુકાના ફુલઝર ગ્રામ પંચાયતના સરપંચ પદે અનુસૂચિત જાતિ સામાન્‍ય અનામત બેઠક ઉપર અમળતભાઈ પુનાભાઈ પરમાર બિનહરીફ થયા છે જ્‍યારે વોર્ડ  સભ્‍યો તરીકે કનુભાઈ ડાયાભાઈ પરમાર,  ધનુબેન નારણભાઈ ઓળકીયા,  ગૌરીબેન ધનજીભાઈ કુકડીયા,  જેસાભાઇ જીવરાજભાઈ ઝાપડિયા, સંજયભાઈ કાળુભાઈ જમોડ,  હંસાબેન કેશાભાઈ મેર,  હંસાબેન નારણભાઈ સુવાણ, જેસાભાઈ વિહાભાઇ રાતડીયા બિનહરીફ થયા છે.

(11:46 AM IST)