તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Saturday, 14th June 2025
અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલા રિદ્ધિબેન ગોઢાણિયા અને પુત્ર ક્રિયાંશના નિધને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોક : વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના પાઠવી : શક્ય તમામ મદદની ખાતરી
ભાણવડના વતની લંડન સ્થાયી થયેલા ગોઢાણિયા પરિવાર પર આભ તૂટ્યું : ખંભાળિયાના પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓએ શોકમગ્ન પરિવારની મુલાકાત લીધી

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા, શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫: અમદાવાદમાં ગુરુવારે થયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકા વિસ્તારના વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા ગોઢાણિયા પરિવારના બે સભ્યોના દુઃખદ અવસાનથી સમગ્ર જિલ્લામાં શોક અને ગમગીની વ્યાપી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણિયા (ઉંમર ૨૫ વર્ષ) અને તેમના ત્રણ વર્ષના પુત્ર ક્રિયાંશ હરીશભાઈ ગોઢાણિયાનું અવસાન થયું છે. તેઓ ભારતથી લંડન પરત ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ નં. ૩૧-એ અને ૩૧-બી પર પ્રવાસ કરી રહ્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા સાંત્વના મુલાકાત:
આ હૃદયદ્રાવક ઘટના બાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણિયાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખંભાળિયા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અને ભાણવડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ શોકમગ્ન પરિવારને સાંત્વના પાઠવી અને આ દુઃખદ ઘટનામાં તેમની સાથે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સહાય અને સમર્થન પૂરું પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે.
પરિવાર અને જિલ્લામાં શોકની લાગણી:
ભાણવડના વાડી વિસ્તારના રાજાભાઈ ખીમાભાઈ ગોઢાણિયાના પુત્ર હરીશભાઈ રાજાભાઈ ગોઢાણિયા લંડનમાં સ્થાયી થયેલા છે. તેમની પત્ની રિદ્ધિબેન અને પુત્ર ક્રિયાંશ અંગત કારણોસર ભારત આવ્યા હતા અને પરત ફરતી વખતે આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનાથી ગોઢાણિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે, અને તેમના નિધનના સમાચારથી ભાણવડ સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે શોક અને દુઃખની લાગણી પ્રસરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણિયા અને તેમના પુત્ર ક્રિયાંશ હરીશભાઈ ગોઢાણિયાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે અને તેમના પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરે છે. આ મુશ્કેલ સમયમાં વહીવટી તંત્ર પરિવારની પડખે ઊભું હોવાનો સંદેશ આપ્યો છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
