<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

કચ્‍છના રણમાં ૭૬૭ર ઘૂડખર : પ્રજનનકાળના લીધે ૧પમીથી પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ

 

વઢવાણ, તા. ૧૪ : રણ સિવાય વિશ્વમાં કયાંય ન જોવા મળતા ઘૂડખરની છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સંખ્‍યા ૭૬૭૨ નોંધાઇ હતી. ત્‍યારે હાલમાં રક્ષિત પ્રાણી ઘૂડખરોનો બ્રિડિંગનો સમય છે. આથી ૧૫મી જૂનથી ઘૂડખર અભયારણ્‍યમાં તમામ માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે.

ઘૂડખર અભયારણ્‍ય ૧૫ જૂનથી ૧૫ ઓક્‍ટોબર સુધી ૪ મહિના તમામ વ્‍યક્‍તિ, પ્રવાસીઓ માટે બંધ રહેશે. ચોમાસાની સિઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રિડિંગનો સમયગાળો શરૂ થાય છે. આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્‍યક્‍તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્‍યમ?ાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્‍યું છે.

આથી તા. ૧૫/૦૬/૨૦૨૫થી તા. ૧૫/૧૦/૨૦૨૫ સુધી ૪ મહિના સુધી ઘૂડખર અભયારણ્‍યમ?ાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી અપાશે નહીં. છતાં કોઇ વ્‍યક્‍તિ કે પ્રવાસી આ રક્ષિત વિસ્‍તારમાં પ્રવેશ કરશે તો અભયારણ્‍ય વિભાગ દ્વારા વન્‍ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.

કચ્‍છના રણમાં આવેલા ઘૂડખર અભયારણ્‍ય સહિત ગુજરાતના તમામ ૨૭ અભયારણ્‍યમાં ૧૬ જૂનથી ૧૫ ઓક્‍ટોબર સુધી પ્રવેશબંધી રહેશે. આ સમયગાળો વન્‍યજીવોના સંવનનકાળનો હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે.

કચ્‍છના રણમાં આવેલા ૪૯૫૪ ચોરસ કિલોમીટર વિસ્‍તારને ૧૯૭૩માં ઘૂડખર અભયારણ્‍ય તરીકે જાહેર કરાયું હતું. છેલ્લી ગણતરી મુજબ અહીં ૭૬૭૨ ઘૂડખર નોંધાયા છે. આ પ્રાણી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેઓ ૧થી ૫૦ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાનમાં જીવી શકે છે.

ચોમાસા દરમિયાન ઘૂડખરનો પ્રજનનકાળ હોય છે. આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ, કામદારો અને પ્રવાસીઓ માટે અભયારણ્‍ય બંધ રહેશે. જો કોઈ વ્‍યક્‍તિ નિયમનું ઉલ્લંઘન કરશે તો વન્‍ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

(11:37 AM IST)