News of Saturday, 14th June 2025
હ્યુમન સોર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક કા ડબલની લોભામણી જાહેરાતો કરીને છેતરપિંડી કરવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા છ આરોપીઓને ભૂજ પોલીસે ઝડપી લીધા
મહમદ હુસેન ઓસમાણ લંઘા, મામદ ચનેસર સુમરા, એઝાઝ હુસેન શેખ, હનીફે દાઉદ સના, વસીમ હુસેન શેખ અને સુરતના કિરણકુમાર સુરેશભાઈ અલકારીની ધરપકડ: હૈદરાબાદની પાર્ટી સાથે ઠગાઈ કરવાની આરોપીઓ પેરવીમાં હતા

ભુજ તા.૧૪ : સોશિયલ મીડિયામાં સસ્તું સોનું તથા એક કા ડબલ અને ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપતી ભુજની ગેંગ ઝડપાઈ છે. હૈદરાબાદના 2 યુવકોને ભુજ બોલાવીને આરોપીઓ છેતરપિંડી કરે તે પૂર્વે ભુજ એલસીબીએ 6 આરોપીને ઝડપી પડ્યા છે.
એક કા ડબલ કરી આપવાની લાલચ આપનારા હુસેન શેખના કબજાનાં મકાનમાં તેના સાગરિતો સાથે મળી હૈદરાબાદની પાર્ટી સાથે ઠગાઈ કરવાની આરોપીઓ પેરવીમાં હતા. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં મહમદ હુસેન ઓસમાણ લંઘા, મામદ ચનેસર સુમરા, એઝાઝ હુસેન શેખ, હનીફે દાઉદ સના, વસીમ હુસેન શેખ અને સુરતના કિરણકુમાર સુરેશભાઈ અલકારીને ઝડપી લેવામાં આવ્યા હતા.
હૈદરાબાદના ગિરિધારી પ્રકાશ નાડે અને ઈશ્વર પપાલાલ કમલને સુરતના કિરણ અલકારીએ ભુજ બોલાવ્યા હતા. તેણે કહ્યું કે, ભુજમાં મારા ઓળખીતા છે એ `એક કા ડબલ' એટલે કે એક લાખના બે લાખ રૂપિયા કરી આપે છે. તેવી લાલચ આપી હતી. કિરણે ફોન કરીને વિશ્વાસ કેળવતા તેઓ ભુજ આવ્યા હતા અને આરોપીઓએ રૂમમાંથી રૂપિયાના બંડલ લાવી બતાવ્યા હતા. આરોપીઓ હૈદરાબાદના યુવકો સાથે છેતરપિંડી કરે તે પૂર્વે જ ઝડપી પડ્યા હતા. પોલીસે રૂમમાં ચલણી નોટ જેવા કોરા કાગળના બંડલો, 30 હજાર રોકડા, 45 હજારના નવ મોબાઈલ તેમજ 15 લાખની સ્કોર્પિયો કાર કબ્જે કરી છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. 6માંથી 5 આરોપી સામે કચ્છ સહિત ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
ઝડપાયેલા આ આરોપીઓ હ્યુમન સોર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક કા ડબલની લોભામણી જાહેરાતો કરીને છેતરપિંડી કરવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હતા.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
