<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ગોહિલવાડમાં મેઘરાજાની સટાસટીઃ જેશર-૯ાા, પાલીતાણા ૭ાા, મહુવા ૭ ઇંચ

અમરેલી જીલ્લાના ખાંભામાં ૪ ઇંચઃ જુનાગઢમાં ધોધમારઃ ગીર સોમનાથમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી

 

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાનું આગમન થઇ ગયુ છે. આજે સવારથી ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ, જુનાગઢ સહિતના જીલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ઝાપટાથી માંડીને ૯ાા ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ભાવનગરના પ્રતિનિધી મેઘના વિપુલ હિરાણીના અહેવાલમાં જણાવાયું છે કે, ભાવનગર જીલ્લાના જેસરમાં ૯ાા ઇંચ, પાલીતાણામાં ૮ાા ઇંચ અને મહુવામાં ૭ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે તળાજામાં ૩ાા ઇંચ અને સિંહોર તથા ગારીયાધારમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુરમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

 આ વરસાદથી અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા છે. સિંહોરમાં કોઝવે પાણીમાં તણાયું છે. જયારે પાલીતાણાનો મુખ્‍ય કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. જયારે ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઇ-વે બંધ થયો છે. વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. બગદાણામાં વરસાદ પડતા બગડ નદી ગાંડીતુર થઇ છે.

જુનાગઢના પ્રતિનિધી વિનુ જોષીના અહેવાલમાં જણાવાયું છે કે, જુનાગઢમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહયો છે. જેમાં જુનાગઢમાં ૨ ઇંચ, ભેંસાણમાં ૧ાા ઇંચ તથા વંથલી, માણાવદર, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા હાટીનામાં હળવો- ભારે વરસાદ વરસ્‍યો છે.

અમરેલીના પ્રતિનિધી અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવાયું છે કે, ખાંભામાં ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજુલામાં ૩ાા ઇંચ, સાવરકુંડલામાં ૩ ઇંચ, કુકાવાવ વડિયામાં ૨ાા ઇંચ, લિલીયામાં ૨ ઇંચ, અમરેલી અને બગસરામાં ૧ાા ઇંચ વરસાદ પડયો છે.

વેરાવળના પ્રતિનિધી દિપક કક્કડના અહેવાલમાં જણાવાયું છે કે, કોડીનાર અને ઉનામાં પોણા બે ઇંચ તથા તાલાલા અને સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.દ્વારકાના પ્રતિનિધી વિનુભાઇ સામાણીના અહેવાલમાં જણાવાયું છે કે, ભાણવડમાં ૧ાા ઇંચ તથા કલ્‍યાણપુરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.(૨.૨૦)

(2:55 PM IST)