News of Monday, 16th June 2025
ભાવનગરમાં ધોધમાર વરસાદથી રેલવે વ્યવહારને અસર :સણોસરા-સિહોર-પાલીતાણા સેક્શન વચ્ચે દોડતી ટ્રેનો રદ
સાર્વત્રિક વરસાદને લઈ ભાવનગર ડિવિઝનની ટ્રેનો રદ :સણોસરા,સિહોર, પાલીતાણા સેક્શનમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી

સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યભરમાં વરસાદ ખાબક્યો છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદથી ક્યાંક નદીઓમાં પુર આવ્યા તો ક્યાંક કોઝવે પત્તાની જેમ તણાઈ ગયો હતો. તેવામાં સાર્વત્રિક વરસાદને લઈ ભાવનગર ડિવિઝનની ટ્રેનો રદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ભાવનગર ડિવિઝનની ટ્રેનો રદ કરવામાં આવી છે. સણોસરા,સિહોર, પાલીતાણા સેક્શનમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ટ્રેન નં. 59270 ભાવનગર -પાલિતાણા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નં. 59269 પાલિતાણા -ભાવનગર ટ્રેન રદ્દ કરવામા આવી છે.
ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 195 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 5 ઇંચથી 9.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 51 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવનગરના પાલિતાણા 11.26 ઇંચ વરસાદ નોંધાયો, જેસરમાં 10.47 ઇંચ, સિહોરમાં 10.08 ઇંચ વરસાદ, સાવરકુંડલામાં 9.09 ઇંચ, મહુવામાં 8.86 ઇંચ વરસાદ, રાજુલામાં 7.4 ઇંચ, ઉમરાળામાં 6.34 ઇંચ વરસાદ, અમરેલીમાં 5.91 ઇંચ અને તલાઝામાં 5.75 ઇંચ વરસાદ, લીલિયામાં 5.43 ઇંચ અને ગારિયાધારમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લઇ રાજ્ય સરકારે નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
