News of Wednesday, 18th June 2025
મોરબીમાં સનસનાટી : લીલાપર ચોકડી નજીક દલવાડી યુવકની કરાઈ ઘાતકી હત્યા : જૂની અદાવત કારણભૂત હોવાની પ્રાથમિક આશંકા
વજેપરના ગિરીશ કણઝારીયાનો મૃતદેહ મળી આવતા ચકચાર : મૃતક વિરુદ્ધ ગઈકાલે જ પડોશી મહિલા અને સાસુ-સસરા સાથે ગાળાગાળી અને કારમાં નુકસાન અંગે નોંધાઈ હતી ફરિયાદ : પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ : તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ, 18 જૂન 2025: મોરબી શહેર આજે એક સનસનાટીપૂર્ણ હત્યાના બનાવથી હચમચી ઉઠ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા દલવાડી સમાજના યુવક ગિરીશ નારણભાઈ કણઝારીયાની બપોરના સમયે લીલાપર ચોકડી નજીક ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાવની જાણ થતા જ મોરબી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ગિરીશ કણઝારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, મૃતક ગિરીશ નારણભાઈ કણઝારીયા વિરુદ્ધ ગઈકાલે જ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. વજેપરમાં પાડોશમાં જ રહેતા હિરલબેન નામની મહિલા અને તેમના સાસુ-સસરા સાથે ગાળાગાળી કરવા અને ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત પથ્થરના છુટા ઘા મારવા તથા તેમની કારમાં નુકસાન પહોંચાડવા અંગે આ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાક્રમ જોતાં, હાલમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ હત્યા પાછળ ગઈકાલના ઝઘડા જેવી કોઈ જૂની અદાવત કારણભૂત હોવાની પ્રબળ શક્યતા છે.
પોલીસ દ્વારા હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને હત્યારાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવથી મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
