<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજનો જથ્થો ફેકટરીમાં વેંચી દેવાનું કારસ્તાન : બે રિક્ષામાં લઇ જવાનો માલ ઝડપાયો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોને જિલ્લાની ૫૪૦થી વધુ સસ્તા અનાજની દુકાનેથી અનાજ વીતરણ થાય છે.જેમાં અમુક લોકો આ જથ્થો વેચી નાંખે છે. ત્યારે ગરીબોને મળનાર આ અનાજ ખરીદી તેને ફેકટરીઓમાં વેચવાનો કાળો કારોબાર જિલ્લામાં બેફામ ચાલી રહ્યો છે. આ દરમીયાન જિલ્લા પુરવઠા અધીકારી એ.જી.ગજ્જર, નાયબ મામલતદાર હિતેન્દ્રસીંહ ગોહીલ, જૈમીનભાઈ પટેલ, સતીશભાઈ સહિતની ટીમને બુધવારે મોડી રાત્રે લક્ષ્મીપરામાંથી આવા સસ્તા અનાજના જથ્થાની હેરફોર થતી હોવાની બાતમી મળી હતી. આથી ટીમે રાતના સમયે રેડ કરી હતી. જેમાં લક્ષ્મીપરાની શેરી નં. ૪માં એક શટલ રિક્ષા અને એક પેસેન્જર રિક્ષામાં ઘઉં-ચોખા મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા ૨૧ ઘઉંના અને ૧૯ ચોખાના કટ્ટા હતા. પુરવઠાની ટીમે ૧૦૬૦.૪૧ કિલો ઘઉં અને ૮૫૬.૧૮ કિલો ચોખા મળી કુલ ૧૯૧૬.૫૯ કિલો અનાજ કિંમત રૂપીયા ૧,૦૪,૪૨૬ અને ૨ રિક્ષા કિંમત રૂપીયા ૨.૨૦ લાખ મળી ૩,૨૪,૪૨૬નો મુદ્દામાલ સીઝ કર્યો છે. જેમાં આ શખ્સ લક્ષ્મીપરામાં રહેતા રમેશભાઈ મોહનભાઈ સાંતલપરાની પુછપરછ કરતા આ જથ્થો તે શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે, હરસીધ્ધી સોસાયટી, રામ સોસાયટી, શકિતપરા, લક્ષ્મીપરા, ખોડીયારપરા, ગાયત્રીનગર, મફતીયાપરા, દુધરેજ, જોરાવરનગર, રતનપરમાં રહેતા રહીશો ઘરે માલ સંગ્રહ કરી બાદમાં નવલગઢ ગામે ફેકટરીએ વેચાણ કરતા હતા.

લીંબડીમાં તુવેરદાળ વિતરણની ફરિયાદો ઊઠી

લીંબડીમાં શાહ ભરતકુમાર ગોબરદાસના નામે સસ્તા અનાજની દુકાન આવેલી છે. ગુરૂવારે સવારે કાર્ડ ધારકોને અન્ય અનાજ સાથે તુવેરદાળનું વીતરણ ન થતુ હોવાની રાવ ઉઠી હતી. આથી લીંબડી મામલતદાર કચેરીના પુરવઠાની ટીમ દોડી ગઈ હતી. અને દુકાનમાં જથ્થો હોવા છતાં કેમ કુપન આપી વીતરણ નથી કરાતો તેમ પુછતા દુકાનદારે થોડો જથ્થો જ આવ્યો હોય એક સાથે વીતરણ કરવાનું કહેતા ટીમે જેટલો જથ્થો હોય તેટલો વીતરણ કરવો આદેશ કર્યો હતો. જેથી દુકાનદારે તુવેરદાળનું વીતરણ ચાલુ કરી દીધુ હતુ

(11:52 AM IST)