<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગોંડલ SRP ગ્રુપ અને કોલેજ ચોક ગાર્ડનમાં ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી : મહિલાઓ માટે ઉષાબેન પાવાગઢી બન્યા પ્રેરણાસ્ત્રોત!

યોગમાસ્ટર જસમીન લીલા અને હિતેશભાઈ દવેની ઉપસ્થિતિમાં SRP ગ્રુપમાં ઉજવણી : નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ આરક્ષિત કોલેજ ચોક ગાર્ડનમાં સવારથી બપોર સુધી યોગ સાધના

(ભાવેશ ભોજાણી દ્વારા), ગોંડલ : આજે, ૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગોંડલ શહેરમાં SRP ગ્રુપ અને કોલેજ ચોક ગાર્ડન સહિતના સ્થળોએ યોગની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ગોંડલના SRP ગ્રુપમાં યોગમાસ્ટર જસમીન લીલા અને હિતેશભાઈ દવેની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SRP જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બીજી તરફ, ગોંડલના કોલેજ ચોક ખાતે આવેલા ગાર્ડનમાં પણ વિશ્વ યોગ દિવસની સુંદર ઉજવણી થઈ. આ ગાર્ડનમાં રોજ સવારના સમયે મહિલાઓ યોગાભ્યાસ કરે છે, અને આજે વિશ્વ યોગ દિવસ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ યોગા કરતી જોવા મળી હતી. આ ગાર્ડનની વિશેષતા એ છે કે, નગરપાલિકા દ્વારા સવારથી બપોર સુધી મહિલાઓ સિવાય અન્ય કોઈને અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જે મહિલાઓને સુરક્ષિત અને શાંત વાતાવરણમાં યોગ કરવાનો અવસર પૂરો પાડે છે.
આ યોગ કાર્યક્રમમાં ઉષાબેન પાવાગઢી મહિલાઓ સાથે યોગા કરતા જોવા મળ્યા હતા, અને તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા. તેમની ઉપસ્થિતિથી અન્ય મહિલાઓમાં પણ યોગ પ્રત્યેનો ઉત્સાહ અને જાગૃતિ વધતી જોવા મળી. ગોંડલમાં થયેલી આ યોગ દિવસની ઉજવણી સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બની રહી છે.

 

(11:15 PM IST)