<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

11મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘જન્મભૂમિ’ ચોટીલા ખાતે યોગ શિબિરમાં 800 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો : ભારતીય સેનાના અનન્ય શૌર્ય અને સાહસની ‘વંદના'

બાલમંદિરના બાળકો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સ્મૃતિરૂપે ‘સિંદૂર’ના રોપાનું વાવેતર :જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા અને એન. એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ તા.૨૩ : 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે માઁ ચામુંડાની પાવન તીર્થભૂમિ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે યોગ શિબિરમાં 800 જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સામુહિક યોગાભ્યાસ કર્યો હતો. જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા અને એન. એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય, સંવાદિતા અને શાંતિને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની થીમ યોગ ફોર વન અર્થ-વન હેલ્થ હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતની પ્રેરણા આપવામાં આવી હતી જે ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણી  તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શિક્ષણવિદ્‌ અને છેલ્લા 20 વર્ષથી વિદ્યાર્થીઓને યોગાભ્યાસની પ્રેરણા આપનાર યોગસેવક કિરીટસિંહ રહેવર (મામા) ઉપરાંત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ચોટીલા સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્મકુમારી મીરાબહેન અને બ્રહ્મકુમારી ઉમાબહેન, યોગ શિક્ષકો મથુરભાઈ ધોરીયા અને ભનુભાઈ ખવડ, હરદેવસિંહ રાણા, વાઘુભાઈ ખવડ, વિલાસબા ચૌહાણ, સજનબા ચૌહાણ, શાળા પરિવારના શિક્ષકગણ અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી. વરિષ્ઠ નાગરિકોની વિશેષ હાજરી હતી.        

બ્રહ્મકુમારી મીરાબહેનએ સહજ રાજયોગની અનુભૂતિ કરાવી હતી. મથુરભાઈ ધોરીયાએ યોગ અને પ્રાણાયમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય સેનાના અનન્ય શૌર્ય અને સાહસની વંદના કરવામાં આવી હતી. બાલમંદિરના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂરની સ્મૃતિરૂપે સિંદૂરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી. તાજેતરની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાનનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. ગાય-વાછરડીને લીલું નીરણ આપવામાં આવ્યું હતું.

ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની  મહાસભામાં એમના સંબોધનમાં 21 જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે તેવો પ્રેરક વિચાર મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ પ્રસ્તાવને 177 દેશોના સમર્થન સાથે મંજૂરી આપી હતી. 21 જૂન 2015ના રોજ શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે વિશ્વના 190થી વધુ દેશોમાં ઉજવાય છે. 21 જૂનની તારીખ પસંદ કરવાનું કારણ એ હતું કે આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. હિંદુ શાસ્ત્રો અનુસાર આદિયોગી શિવે આ દિવસે સપ્તર્ષિઓને યોગનો પહેલો ઉપદેશ આપ્યો હતો.

 

(-આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી • ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  9825021279)

(9:23 AM IST)